ભારતીય નર્સ નિમિષા પ્રિયાને યમનની અદાલતે યમનના નાગરિકની હત્યાના કેસમાં ફાંસીની સજા સંભળાવી છે. જોકે, રાષ્ટ્રપતિ રશાદ અલ-અલિમીએ હજુ સુધી તેની મૃત્યુદંડની સજાને મંજૂરી આપી નથી. નવી દિલ્હીમાં યમન એમ્બેસીએ આ મામલે મહત્વની માહિતી આપી છે અને કહ્યું છે કે નિમિષા પ્રિયાને મૃત્યુદંડની સજા પાછળ હુથી વિદ્રોહીઓનો હાથ છે. યમન એમ્બેસીએ કહ્યું કે આ મામલો હુથી વિદ્રોહીઓ દ્વારા નિયંત્રિત વિસ્તારમાં કરવામાં આવ્યો છે અને તેથી જ યમનના રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ નેતૃત્વ પરિષદના અધ્યક્ષ રશાદ અલ-અલિમીએ આ નિર્ણયને મંજૂરી આપી નથી.
શું છે નિમિષા પ્રિયા કેસ?
કેરળના પલક્કડ જિલ્લાના કોલેન્ગોડની રહેવાસી નિમિષા પ્રિયાને જુલાઈ 2017માં યમનના નાગરિકની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવી હતી. નિમિષા પ્રિયા પર મેહદી નામના યમનના નાગરિકની હત્યા કરવાનો આરોપ છે.
નિમિષા લાંબા સમયથી યમનની એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતી હતી, ત્યારબાદ તેણે મેહદીની મદદથી યમનમાં પોતાનું ક્લિનિક ખોલ્યું હતું. નિમિષા પ્રિયાના પતિ અને પુત્રી આર્થિક કારણોસર ભારત આવ્યા હતા પરંતુ નિમિષાનો પાસપોર્ટ મેહદી પાસે હોવાથી તેઓ પરત ફરી શક્યા ન હતા. નિમિષા પ્રિયા પર આરોપ છે કે તેણે પોતાનો પાસપોર્ટ પાછો મેળવવા માટે મહેદીને એનેસ્થેટિક ઈન્જેક્શન આપ્યું હતું. જેના કારણે તેનું મોત થયું હતું.
નિમિષા સના જેલમાં બંધ છે
ત્યારથી 37 વર્ષીય નર્સ સનાની જેલમાં બંધ છે. આ વિસ્તાર ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓના નિયંત્રણમાં છે. વર્ષ 2020માં ટ્રાયલ કોર્ટે નિમિષા પ્રિયાને આ હત્યામાં દોષી હોવાને કારણે મોતની સજા સંભળાવી હતી. જેને યમનની સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલ દ્વારા માન્ય રાખવામાં આવી હતી. નિમિષા પ્રિયાની માતાએ પોતાની અરજીમાં કહ્યું છે કે મેહદીએ વર્ષો સુધી નર્સ નિમિષા પ્રિયાને ટોર્ચર કર્યા અને તેનો પાસપોર્ટ જપ્ત કરી લીધો જેથી તે યમનની બહાર ન જઈ શકે.
ભારત આ બાબત પર નજર રાખી રહ્યું છે. વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે, “સરકાર આ મામલે તમામ શક્ય મદદ પૂરી પાડી રહી છે.” સરકાર અને સંબંધિત એજન્સીઓ આ મામલાને રાજદ્વારી રીતે ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.