West Bengal Train Accident:પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં એક ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધીમાં 8થી વધુ લોકોના મોત અને 50થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. આજે સવારે એક ગુડ્સ ટ્રેને સિયાલદાહ જઈ રહેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. બીજીતરફ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ બાઈક પર બેસી ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ દરમિયાન તેમણે રાહત કાર્યની સમીક્ષા કરી રહ્યા છે.
બાઈક પર બેસી ઘટનાસ્થળે પહોંચ્યા રેલવે મંત્રી
વાસ્તવમાં ઘટનાસ્થળે પહોંચવાનો રસ્તો કાચો હોવાથી ત્યાં વાહનો પહોંચી શકતા નથી. આ ઉપરાંત ગાડીમાં જવામાં પણ ઘણો સમય લાગે છે, તેથી રેલવે મંત્રીએ તુરંત બાઈકનો સહારો લઈને ઘટનાસ્થળે પહોંચી ગયા છે. દાર્જિલિંગ જિલ્લાના રંગાપાની સ્ટેશન પર પહોંચેલા રેલવે મંત્રીએ રાહત કાર્યની સમીક્ષા કરી રહ્યા છે. તેઓ ઘટના અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી રહ્યા છે.
લોકો પાયલોટની ભુલના કારણે થયો અકસ્માત
રેલવે બોર્ડના ચેરમેન જયા વર્મા સિન્હાએ કહ્યું કે, ગુડ્સ ટ્રેનના લોકો પાયલોટે સિગ્નલની અવગણના કરી હતી. આ અકસ્માતમાં લોકો પાયલટ અને ગાર્ડનું પણ મોત થયું છે. આ અકસ્માત આ વર્ષેનો સૌથી મોટો અકસ્માત છે. આ પહેલા જૂન-2023માં ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત થયો હતો, જેમાં કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન ટ્રેક પર ઉભી રહેલી ગુડ્સ ટ્રેનને અથડાઈ ઘઈ હતી. આ ઘટનામાં લગબગ 300 લોકોના મોત થયા હતા.