બુધવારે રાત્રે બેંગલુરુના ઓલ્ડ એરપોર્ટ રોડ પર એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં બે બાઇક સવારોના મોત થયા હતા, જ્યારે બેંગલુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (BMTC) ની બસે તેમના ટુ-વ્હીલરને ટક્કર મારી હતી અને તેમને કચડી નાખ્યા હતા.
ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, મૃતકોની ઓળખ તાપસ (૩૩) અને આદિત્ય બોઝ (૩૧) તરીકે થઈ છે. તાપસ રેપિડો ચલાવતો હતો, જ્યારે આદિત્ય તેની બાઇક પર પાછળ બેઠો હતો. બંને પશ્ચિમ બંગાળના રહેવાસી હતા અને બેંગલુરુમાં કામ કરતા હતા.
ઘટના બાદ બસ ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો, પરંતુ પોલીસે તેને કસ્ટડીમાં લઈ લીધો છે. પોલીસ હવે બસ કંડક્ટરની પણ શોધ કરી રહી છે. BMTC દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, આ અકસ્માત બુધવારે રાત્રે 10:33 વાગ્યે HAL મેઈન રોડ પર ISRO સિગ્નલ પાસે થયો હતો. આ અકસ્માતમાં એક ખાનગી કાર પણ સામેલ હતી.
પ્રાથમિક તપાસ અને સીસીટીવી ફૂટેજની સમીક્ષાના આધારે, બીએમટીસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ટુ-વ્હીલર ઇસરો સિગ્નલ નજીક બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ દરમિયાન, તે સામેથી આવતી એક કાર સાથે અથડાઈ ગયો. ટક્કરને કારણે બાઇક સવારનું સંતુલન બગડી ગયું અને તે બસના પાછળના વ્હીલ નીચે આવી ગયો. આ દુ:ખદ અકસ્માતમાં બંને યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
BMTC એ તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું, ‘અમે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર ખૂબ જ શોક વ્યક્ત કરીએ છીએ અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.’ આવા અકસ્માતોને રોકવા માટે અમે માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓ સાથે કામ કરવાનું ચાલુ રાખીશું. પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે અને વિગતવાર તપાસ ચાલી રહી છે.