Terrorist Attack in J&K: કોંગ્રેસ નેતા ચરણજીત સિંહ ચન્નીએ જમ્મુ-કાશ્મીરના પૂંચમાં ભારતીય વાયુસેનાના વાહન પર આતંકવાદીઓ દ્વારા કરાયેલા હુમલાને સ્ટંટ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હુમલાઓ થઈ રહ્યા નથી. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે ભાજપને જીતાડવા માટે આવા સ્ટંટ રમવામાં આવે છે. તેમના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. ચરણજીત સિંહ ચન્નીના નિવેદનને લઈને કોંગ્રેસ શંકાના દાયરામાં આવી ગઈ છે. આ નિવેદન પર ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે. તેના જવાબમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અજય આલોકે કહ્યું કે, દેશના જવાનોને લઈને માત્ર કોંગ્રેસ જ સસ્તી રાજનીતિ કરી શકે છે.
બીજેપી નેતા અજય આલોકે કહ્યું, “ચરનજીત સિંહ ચન્નીનું મન ખોવાઈ ગયું છે. શું કોઈ મુખ્યમંત્રી તરફથી આવું નિવેદન યોગ્ય છે? માત્ર કોંગ્રેસ પાર્ટી જ દેશના સૈનિકોને લઈને આવી સસ્તી રાજનીતિ કરી શકે છે. આ તેમની સંસ્કૃતિ છે.”
ચન્નીના આ નિવેદન પર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પણ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું, “આ એક અન્ય પુરાવો છે જે દર્શાવે છે કે કોંગ્રેસ પાર્ટીના હિત અને વોટ બેંકના હિતને રાષ્ટ્રીય હિતથી ઉપર રાખે છે. તેઓ પાકિસ્તાનને ક્લીનચીટ આપવા માટે તૈયાર છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે આતંકવાદી ઘટનાઓનો ઉપયોગ મત મેળવવા માટે કરવામાં આવે છે.” ચન્નીએ કહ્યું કે પૂંછમાં થયેલો આતંકવાદી હુમલો ભારત દ્વારા કરવામાં આવેલ સ્ટંટ છે તેનો અર્થ એ છે કે તમે ફરી એકવાર પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યા છો.
આતંકવાદી હુમલા અંગે ચરણજીત સિંહ ચન્નીનું નિવેદન
ચરણજીત સિંહે પુંછમાં એરફોર્સના વાહન પર થયેલા હુમલાને લઈને મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આવા સ્ટંટ રમવામાં આવે છે. ભાજપ પર નિશાન સાધતા તેમણે વધુમાં કહ્યું કે, “આ હુમલાઓ તૈયાર કરીને કરાવવામાં આવે છે. ભાજપને જીતાડવાનો આ એક સ્ટંટ છે, તેમાં કોઈ સત્ય નથી. ભાજપ જાણે છે કે કેવી રીતે લોકોને મારવા અને લાશો પર રમવું. “