ભાજપના નેતા શુભેંદુ અધિકારીએ રવિવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. તેમણે બાંગ્લાદેશથી ઘૂસણખોરી માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ને જવાબદાર ઠેરવતા મમતાના નિવેદનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે ટીએમસીના નેતાઓ નિમ્ન સ્તરની રાજનીતિ કરી રહ્યા છે. અધિકારીએ સીએમની ટિપ્પણીને સુરક્ષા દળોનું અપમાન ગણાવી. શુભેંદે પત્રમાં લખ્યું, ‘બહાદુર સૈનિકો દેશની સેવા કરે છે, સરકારની નહીં. પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલી ઘૂસણખોરી માટે તમે જે રીતે સૈનિકોને દોષી ઠેરવ્યા તે તમારી રાજનીતિનું સૌથી નીચું સ્તર દર્શાવે છે.
મમતા બેનર્જી પર નિશાન સાધતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે, ‘રાજકારણમાં આરોપ-પ્રત્યારોપ થતા જ રહે છે. પરંતુ, સુરક્ષા દળોને આમાં ખેંચીને તેમનું અપમાન કરવું ખોટું છે. આપણી નિષ્ફળતા માટે સૈનિકોને જવાબદાર ઠેરવવા એ સસ્તી રાજનીતિ સિવાય બીજું કંઈ નથી. આ બંગાળના 75,000 CAPFS જવાનો, 33,000 BSFના જવાનો અને દેશના તમામ સૈનિકોનું અપમાન છે. તમને જણાવી દઈએ કે સીએમ મમતાએ BSF પર રાજ્યને અસ્થિર કરવા માટે કેન્દ્ર સરકારની બ્લૂ પ્રિન્ટ હેઠળ બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, બોર્ડર સિક્યોરિટી ફોર્સે આ આરોપને નકારી કાઢ્યો અને કહ્યું કે તે દેશની સરહદની સંપૂર્ણ તકેદારી સાથે રક્ષા કરે છે.
‘BSF પર પણ મહિલાઓની છેડતીનો આરોપ’
રાજ્ય સચિવાલયમાં વહીવટી સમીક્ષા બેઠકમાં મમતા બેનર્જીએ BSF પર મહિલાઓને ઉત્પીડન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું, ‘અમને માહિતી મળી છે કે BSF વિવિધ સરહદી વિસ્તારોમાંથી ઘૂસણખોરોને ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપી રહ્યું છે. આ રાજ્યને અસ્થિર કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે. આમાં કેન્દ્ર સરકારનું ઊંડું ષડયંત્ર સામેલ છે. તેમણે કહ્યું કે તેઓ BSFના આ વલણ પાછળ કેન્દ્રની બ્લૂ પ્રિન્ટ જોઈ શકે છે. ગુંડા ભારતમાં પ્રવેશી રહ્યા છે. હું સરહદની બંને તરફ શાંતિ ઈચ્છું છું. અમારા પાડોશી દેશ બાંગ્લાદેશ સાથે સારા સંબંધો છે. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરહદની સુરક્ષા રાજ્યની જવાબદારી નથી.