સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે તમિલનાડુમાં મૂર્તિ ચોરીના મામલામાં 41 એફઆઈઆર ફાઇલો ગાયબ થવું ચોંકાવનારું છે. જસ્ટિસ અભય એસ ઓકા અને ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે તામિલનાડુ સરકારના ગૃહ વિભાગના સચિવને એફિડેવિટ દાખલ કરવા અને સરકારનું વલણ સ્પષ્ટ કરવા માટે 31 જાન્યુઆરી, 2025 સુધીનો સમય આપ્યો છે.
બેન્ચે તેમને સુનાવણી દરમિયાન ઓનલાઈન હાજર રહેવાનો પણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે 41 ફાઈલોમાંથી 27ને ટ્રેસ કરવામાં આવી છે અને 11 કેસમાં નવી એફઆઈઆર નોંધવામાં આવી છે. ખંડપીઠે કહ્યું, જે ક્ષણે તમે નવી એફઆઈઆર દાખલ કરો છો, તે આરોપીને બચાવવાનો એક માર્ગ બની જાય છે. નવી FIR કેવી રીતે દાખલ કરી શકાય?
અરજદારની દલીલ
અરજદાર એલિફન્ટ જી રાજેન્દ્રન તરફથી હાજર રહેલા એડવોકેટ જી એસ મણીએ જણાવ્યું હતું કે ચોરી ઘણા વર્ષો પહેલા થઈ હતી. આમાં સામેલ મૂર્તિઓની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 300 કરોડ રૂપિયાથી વધુ છે. આ બાબતોમાં કોઈ પ્રગતિ થઈ નથી. આ ઘોર બેદરકારી છે.
જણાવી દઈએ કે ફેબ્રુઆરી, 2023માં સર્વોચ્ચ અદાલતે રાજ્યના ગૃહ સચિવ, પોલીસ મહાનિર્દેશક, હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ કમિશનર અને મૂર્તિ ચોરી વિંગના વડા એડિશનલ ડીજીપીને નોટિસ પાઠવી હતી. રાજેન્દ્રને ફાઇલો ગાયબ થવાની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે અને આક્ષેપ કર્યો છે કે તે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, નોકરશાહી અને મૂર્તિ માફિયા વચ્ચેના ગંભીર ષડયંત્રનું પરિણામ છે.