Air India: કોચીથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તરત જ વિમાનની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ ત્યાંથી કંઈ મળ્યું ન હતું. મળતી માહિતી મુજબ, આ ધમકી એક અધિકારીને ફોન કરીને આપવામાં આવી હતી. થોડા સમય બાદ શંકાસ્પદની એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. 29 વર્ષના આરોપીનું નામ સુહૈબ છે.
કોચી એરપોર્ટ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર એર ઈન્ડિયા કોલ સેન્ટરને AI 149માં બોમ્બની ધમકી આપવામાં આવી હતી. આ વિમાન લંડન જવાનું હતું. આ પછી એરપોર્ટ પ્રશાસનને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યું હતું અને સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. એરલાઇન સિક્યુરિટી સ્ટાફ, એરપોર્ટ સિક્યુરિટી ગ્રૂપ અને ઇનલાઇન બેગેજ સ્ક્રીનિંગ સિસ્ટમ દ્વારા સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, આ વિમાનનું ચેકઈન પૂરું થઈ ગયું હતું અને તે 11.50 વાગ્યે ટેકઓફ થવાનું હતું. તપાસ દરમિયાન ફોન કરનારને ટ્રેસ કરવામાં આવ્યો હતો. તે મલપ્પુરમ જિલ્લાનો રહેવાસી છે અને તેની પત્ની અને બાળક સાથે એરપોર્ટ પહોંચ્યો હતો. ચેકઈન દરમિયાન તેની ધરપકડ કરી પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. હવે પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
એ જ રીતે 17 જૂને દિલ્હીથી દુબઈ જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાનો મેસેજ મળ્યો હતો. પાછળથી ખબર પડી કે મેલ મોકલનાર સગીર હતો જે 9મા ધોરણમાં અભ્યાસ કરે છે. તેણે કહ્યું કે આ મેઈલ મજાક તરીકે મોકલવામાં આવ્યો હતો. મેલ મોકલનાર બાળકની ઉંમર માત્ર 13 વર્ષની હતી. બાળકે નવું ઈમેલ આઈડી બનાવ્યું હતું અને મેઈલ મોકલ્યા બાદ તેને ડીલીટ પણ કરી દીધું હતું.