Pune Porsche Case : મહારાષ્ટ્રના પુણે પોર્શ કેસમાં પોલીસે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ (JJB) સમક્ષ અરજી કરી સગીર આરોપીના રિમાન્ડ 14 દિવસ માટે લંબાવવાની માંગ કરી છે. 17 વર્ષના સગીર આરોપીના રિમાન્ડ બુધવારે પૂરા થઈ રહ્યા છે. એક અધિકારીએ આ માહિતી આપી. તમને જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં બે આઈટી એન્જિનિયરોએ જીવ ગુમાવ્યો હતો.
પુણે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે જેજેબી સમક્ષ અમારી અરજી દાખલ કરી હતી, જેમાં ઓબ્ઝર્વેશન હોમમાં સગીર આરોપીના રિમાન્ડને વધુ 14 દિવસ માટે લંબાવવાની માંગ કરવામાં આવી હતી. પોલીસની અરજી પર બુધવારે સુનાવણી કરવામાં આવશે.”
શું હતો સમગ્ર મામલો
પુણે શહેરમાં, 18-19 મેની વચ્ચેની રાત્રે, એક 17 વર્ષનો છોકરો, લગભગ 3 કરોડ રૂપિયાની પોર્શ કાર હાઇ સ્પીડમાં ચલાવતો હતો, ત્યારે તેણે બાઇકને ટક્કર મારી. વાહન સાથેની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક તેનું સંતુલન ગુમાવી દીધુ અને રોડ પર ઘણા દૂર સુધી ઘસડી ગયું, જેના કારણે તેના પર સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. ઘટનાસ્થળે હાજર લોકોએ પોલીસને અકસ્માતની જાણ કરી, ત્યારબાદ આરોપી સગીરની ધરપકડ કરવામાં આવી.
આ ઘટનાના 14 કલાક બાદ આરોપી સગીરને કેટલીક શરતો સાથે કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. કોર્ટે તેમને ટ્રાફિક પોલીસ સાથે 15 દિવસ કામ કરવા અને માર્ગ અકસ્માતોની અસરો અને ઉકેલો પર 300 શબ્દોનો નિબંધ લખવાનો નિર્દેશ આપ્યો હતો. બાદમાં વિવાદ વધતાં કોર્ટે તેના જામીન રદ કર્યા હતા. આ પછી તેને 5 જૂન સુધી ઓબ્ઝર્વેશન હોમમાં મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ કેસમાં સગીરના પિતા, દાદા અને માતાની પણ ધરપકડ કરવામાં આવી છે. સગીરનું બ્લડ સેમ્પલ તેની માતા સાથે બદલવા બદલ બે ડોક્ટરોની પણ ધરપકડ કરવામાં આવી છે.