PM Modi in Wayanad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે, 10 ઓગસ્ટના રોજ કેરળના આપત્તિ પ્રભાવિત જિલ્લાઓનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. જ્યાં ભૂસ્ખલનથી સેંકડો લોકોના જીવ ગયા છે. પીએમ મોદીએ ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં ભૂસ્ખલનથી તબાહ થયેલી મુંડક્કાઈ, પંચીરીમટ્ટમ અને ચુરલમાલા વસાહતોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. આ પછી પીએમ મોદી સવારે લગભગ 11.15 વાગ્યે કન્નુર એરપોર્ટથી વાયનાડ જવા રવાના થયા હતા.
પીએમ મોદી સાથે રાજ્યપાલ અને સીએમ પણ હાજર છે
હવાઈ સર્વેક્ષણ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન પણ હતા. હવાઈ સર્વેક્ષણ બાદ પીએમ મોદી અહીંની SKMJ હાયર સેકન્ડરી સ્કૂલમાં ઉતરશે. પીએમ મોદી અહીંથી રોડ માર્ગે કેટલાક ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે.
કેરળએ કેન્દ્ર પાસેથી મદદ માંગી
પીએમ મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે કેરળ સરકારે આપત્તિગ્રસ્ત વિસ્તારમાં પુનર્વસન અને રાહત કાર્ય માટે કેન્દ્ર સરકાર પાસેથી 2 હજાર કરોડ રૂપિયાની સહાયની માંગ કરી છે. 30 જુલાઈના રોજ કેરળમાં ભૂસ્ખલનમાં 226 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ગુમ થયા હતા.