રાજસ્થાનના બ્યાવરમાં એક કેમિકલ ફેક્ટરીમાં પાર્ક કરેલા ટેન્કરમાંથી હાનિકારક ગેસ લીક થવાથી ફેક્ટરી માલિક સહિત ત્રણ લોકોના મોત થયા છે. ગેસની અસરથી 50 થી વધુ લોકોની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટર મહેન્દ્ર ખડગાવતે જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ગેસ લીકેજ થયો હતો, જેના કારણે 53 લોકો બીમાર પડ્યા હતા. ફેક્ટરી માલિક અને અન્ય બે લોકોના મોત થયા છે. આ ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી.
વિવિધ હોસ્પિટલોમાં દાખલ થયેલા લોકો
કલેક્ટરે માહિતી આપી છે કે પરિસ્થિતિ ટૂંક સમયમાં કાબુમાં આવી ગઈ છે. દરમિયાન, જિલ્લા પોલીસ અધિક્ષક શ્યામ સિંહે જણાવ્યું હતું કે બારિયા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં મોડી રાત્રે ગેસ લીકેજની ઘટના બની હતી, જેના કારણે આસપાસના ઘણા લોકો પ્રભાવિત થયા હતા અને તેમને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવા પડ્યા હતા.
ઉલટી, છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ
ફેક્ટરીના માલિક સુનિલ સિંઘલ (૪૭)નું સોમવારે રાત્રે અવસાન થયું, જ્યારે દયારામ (૫૨) અને નરેન્દ્ર સોલંકીનું મંગળવારે અવસાન થયું. આ વિસ્તારના અસરગ્રસ્ત લોકોએ ઉલટી, છાતીમાં ભારેપણું અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી, જેના પછી તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ફેક્ટરીની આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો
પોલીસે માહિતી આપી છે કે બે લોકોની હાલત ગંભીર છે અને તેમની સારવાર અજમેરની JLN હોસ્પિટલમાં ચાલી રહી છે. ફેક્ટરીની આસપાસનો વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો છે. આ ફેક્ટરી રહેણાંક વિસ્તારમાં ચાલી રહી હતી. જિલ્લા કલેક્ટરે પરવાનગી વિના ચાલતા કારખાનાઓનો સર્વે કરવા માટે મ્યુનિસિપલ કાઉન્સિલ, મહેસૂલ વિભાગ અને પોલીસના અધિકારીઓની એક સમિતિ બનાવવાનો નિર્દેશ આપ્યો છે.