તેલંગાણા પોલીસે રાચાકોંડા વિસ્તારના સરૂર નગરમાં એક ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદેસર કિડની ટ્રાન્સપ્લાન્ટ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શનિવારે માહિતી આપી હતી કે આરોગ્ય વિભાગના અધિકારીની ફરિયાદ પર 21 જાન્યુઆરીએ કેસ નોંધવામાં આવ્યો હતો.
સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, રાચકોંડા કમિશનરેટની ટીમે રંગા રેડ્ડી જિલ્લાના જિલ્લા તબીબી આરોગ્ય અધિકારી (DMHO) સાથે મળીને 21 જાન્યુઆરીએ આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ગેરકાયદેસર કિડની ટ્રાન્સપ્લાન્ટના આ કેસમાં હોસ્પિટલ મેનેજમેન્ટ પણ સામેલ હતું.
તપાસ દરમિયાન, હોસ્પિટલમાં ચાર લોકો મળી આવ્યા, જેમાં તમિલનાડુના બે દાતાઓ અને બે કિડની મેળવનારાઓનો સમાવેશ થાય છે. કિડની મેળવનાર વ્યક્તિનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ચૂક્યું હતું. બાદમાં ચારેયને વધુ સારવાર માટે ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ હોસ્પિટલને સીલ કરી દીધી છે. તપાસમાં જાણવા મળ્યું કે હોસ્પિટલ પાસે કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવાની કોઈ પરવાનગી નહોતી. ધરપકડ કરાયેલા 9 લોકોમાં હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર સુમંત અને બે ડોક્ટરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાંચ મેડિકલ આસિસ્ટન્ટની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે 23 જાન્યુઆરીએ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બાકીના સાત લોકોની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ રેકેટમાં મુખ્યત્વે બે સર્જનો સામેલ છે, જે તમિલનાડુ અને જમ્મુ અને કાશ્મીરના છે. આ ઉપરાંત વિશાખાપટ્ટનમના ત્રણ લોકો હજુ પણ ફરાર છે. આ લોકો દાતાઓ અને કિડની મેળવનારાઓ માટે વ્યવસ્થા કરતા હતા.
ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ
રિપોર્ટ અનુસાર, દરેક કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે લગભગ 55-60 લાખ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો હતો, જે રેકેટમાં સામેલ બધા લોકોમાં વહેંચવામાં આવતો હતો. તેલંગાણાના આરોગ્ય પ્રધાન સી. દામોદર રાજનરસિંહાએ 24 જાન્યુઆરીએ નિર્દેશ આપ્યો હતો કે આ કેસ તપાસ માટે CID ને સોંપવામાં આવે.
તેમણે અધિકારીઓ સાથેની બેઠકમાં આ બાબતની સમીક્ષા કરી અને પડોશી રાજ્યો કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળની સરકારોને રેકેટની વિગતો શેર કરવા નિર્દેશ આપ્યો. પોલીસ ફરાર આરોપીની શોધ કરી રહી છે અને કેસની વિગતવાર તપાસ ચાલી રહી છે.