2022માં કેરળના પલક્કડમાં RSS નેતા શ્રીનિવાસનની હત્યાના કેસમાં NIAને મોટી સફળતા મળી છે. NIAએ હત્યાના આરોપી શામનાદ ઈ ઉર્ફે શમનાદ ઈલિક્કલની ધરપકડ કરી છે, જે કેરળના મલપ્પુરમના મંજેરીના રહેવાસી છે. NIA એ ઇલિક્કલ પર 7 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. તે છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હતો અને પોતાની ઓળખ છુપાવીને PFI નેતાઓના રક્ષણ હેઠળ રહેતો હતો. સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે શામનાદ અન્ય ઘણા કેસોમાં પણ આરોપી હતો અને NIAની ‘ફ્યુજિટિવ ટ્રેકિંગ ટીમ’ દ્વારા સતત પ્રયાસો બાદ તેને એર્નાકુલમથી ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી કથિત રીતે પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ના રક્ષણ હેઠળ હતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના નેતા શ્રીનિવાસનની ‘ક્રૂર હત્યા’ પછીથી ગુપ્ત ઓળખ હેઠળ જીવી રહ્યો હતો. નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે સપ્ટેમ્બર 2022 માં નોંધાયેલા આ કેસની NIA તપાસમાં ખુલાસો થયો છે કે હત્યાનું કાવતરું કથિત રીતે PFI નેતાઓ અને કાર્યકરો દ્વારા સાંપ્રદાયિક વિભાજન બનાવવાના ઉદ્દેશ્યથી ઘડવામાં આવ્યું હતું.
NIA ઘણા સમયથી તેની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી હતી. તે અન્ય ઘણા કેસોમાં પણ વોન્ટેડ હતો. માહિતી અનુસાર, NIA એ શામનાદને પકડવા માટે ગુપ્તચર છટકું ગોઠવ્યું હતું. NIA એર્નાકુલમમાં ઘણી વખત દરોડા પાડ્યા હતા પરંતુ તે પકડાઈ રહ્યો ન હતો. શમનાદ પોતાની ઓળખ છુપાવીને દેશમાં સાંપ્રદાયિક હિંસા ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યો હતો. ગુપ્તચર અહેવાલોના આધારે, NIA એ અચાનક દરોડો પાડ્યો અને શામનાદની ધરપકડ કરવામાં આવી.