Mumbai Weather: ભારે વરસાદને કારણે મુંબઈના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. એટલું જ નહીં રેલ વ્યવહારને પણ અસર થઈ છે. અનેક રૂટ પર ટ્રેનો રોકી દેવામાં આવી હતી. એટલું જ નહીં કેટલાક વિસ્તારોમાં શાળાઓ, કોલેજો અને ઓફિસો પણ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
મુંબઈમાં, રવિવારે રાત્રે 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીના છ કલાકના ગાળામાં વિવિધ સ્થળોએ 300 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લોકલ ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી. આજે પણ ભારે વરસાદની સંભાવના છે.
ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. દાદરમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. રસ્તાઓ અને રેલ્વે પર પાણી ભરાઈ ગયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે રસ્તા પર દોડતી ગાડીઓ પણ પાણીમાં અડધી ડૂબી ગઈ છે. રેલવે ટ્રેક પર પણ પાણી જમા થયા છે.
વિદ્યાર્થીઓને અસુવિધા ટાળવા માટે, મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈ (BMC વિસ્તાર)ની તમામ BMC, સરકારી અને ખાનગી શાળાઓ અને કૉલેજોમાં પ્રથમ સત્ર માટે રજા જાહેર કરી છે. સાથે જ કહ્યું કે પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આગામી સત્ર માટે નિર્ણય લેવામાં આવશે.
CPROનું કહેવું છે કે સાયન, ભાંડુપ અને નાહુર સ્ટેશનો વચ્ચેની ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે. પાટા પાણીમાં ડૂબી ગયા હતા, જેથી લગભગ એક કલાક સુધી ટ્રેનો રોકી દેવામાં આવી હતી. પાણી થોડુ ઓછુ થતા ફરી ટ્રેનો ચાલુ કરવામાં આવી છે. પરંતુ ટ્રેન સેવા હજુ પણ પ્રભાવિત છે.
દરમિયાન, મધ્ય રેલવેએ જણાવ્યું હતું કે મુંબઈ ઉપનગરીય અને હાર્બર લાઈનો પર ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાને કારણે રેલ ટ્રાફિકમાં વિલંબ થયો હતો. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, કુર્લા-વિક્રોલી અને ભાંડુપ સ્ટેશનો પ્રભાવિત થયા હતા.
આ ટ્રેનો રદ કરવામાં આવી હતી
મુંબઈ ડિવિઝનના વિવિધ રેલવે સ્ટેશનો પર પાણી ભરાવાને કારણે નીચેની ટ્રેનો આજે રદ કરવામાં આવી છે.
- 1- 12110 (MMR-CSMT)
- 2- 11010 (પુણે-CSMT)
- 3- 12124 (પુણે CSMT ડેક્કન)
- 4- 11007 (પુણે-CSMT ડેક્કન)
- 5- 12127 (CSMT-પુણે ઇન્ટરસિટી એક્સપ્રેસ)
ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા શહેરનું મોનિટરિંગ
BMC કમિશનર ભૂષણ ગગરાણી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી પરિસ્થિતિ પર વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યા છે. મુંબઈમાં વિવિધ સ્થળોએ ઈમરજન્સી કંટ્રોલ રૂમની સાથે ઈમરજન્સી કર્મચારીઓ અને અધિકારીઓ તૈનાત છે. તેઓ તમામ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. કોર્પોરેશનના તમામ ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર અને અન્ય વિવિધ સ્થળોએ સક્રિય છે.
રનવેની કામગીરી રદ, ફ્લાઇટનો માર્ગ બદલાયો
છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈએ ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીને કારણે બપોરે 2:22 થી 3:40 વાગ્યા સુધી રનવેની કામગીરી સ્થગિત કરી દીધી હતી. 27 ફ્લાઈટના ડાયવર્ઝનની જાણ કરવામાં આવી છે. અમદાવાદ, હૈદરાબાદ, ઈન્દોર વગેરે સ્થળોએ ફ્લાઈટ મોકલવામાં આવી હતી. હાલમાં, આગમન, પ્રસ્થાન વિલંબ અને ડાયવર્ટ કરેલી ફ્લાઇટને સમાવવા માટે કરવામાં આવેલા પરિણામી ફેરફારોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.