રાજ્યસભામાં વાતાવરણ ગરમાયું જ્યારે કેન્દ્રીય મંત્રી અને પ્રખ્યાત અભિનેતા સુરેશ ગોપીએ ફિલ્મ L2 એમ્પુરાણ પર ઉભા થયેલા વિવાદ પર ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી. સીપીઆઈ સાંસદ જોન બ્રિટાસે આરોપ લગાવ્યો કે ફિલ્મમાં ૨૦૦૨ના ગુજરાત રમખાણો દર્શાવવા બદલ રાજકીય દબાણ કરવામાં આવ્યું હતું, ત્યારે સુરેશ ગોપી ગુસ્સે ભરાયા અને ખુલાસો આપવા માટે ખુરશી પરથી ઉભા થયા. સુરેશ ગોપી ગુસ્સે ભરાયેલા જોઈને, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ દરમિયાનગીરી કરી અને તેમને શાંત પાડ્યા.
જોન બ્રિટાસને જવાબ આપતા સુરેશ ગોપીએ કહ્યું, “આ એક સત્ય છે જે હું દરેક ભારતીયને કહેવા માંગુ છું. ફિલ્મના નિર્માતાઓ પર સેન્સર બોર્ડ કે અન્ય કોઈ સંસ્થા તરફથી કોઈ દબાણ નહોતું. સુરેશ ગોપીએ એ પણ ખુલાસો કર્યો કે ફિલ્મના આભાર કાર્ડમાંથી પોતાનું નામ દૂર કરવાનો નિર્ણય તેમનો પોતાનો હતો.
સુરેશ ગોપીએ જોન બ્રિટાસના આરોપોનો જવાબ આપ્યો
ગોપીએ કહ્યું, “મેં પોતે નિર્માતાઓને ફોન કરીને મારું નામ દૂર કરવા કહ્યું. આ મારો નિર્ણય હતો અને જો તે ખોટું નીકળે તો હું કોઈપણ સજા ભોગવવા તૈયાર છું.” તેમણે કહ્યું કે ફિલ્મમાંથી 17 ભાગો દૂર કરવાનો નિર્ણય નિર્માતાઓએ પોતે દિગ્દર્શક અને મુખ્ય અભિનેતાની સંમતિથી લીધો હતો.
આ પહેલા પણ સુરેશ ગોપી આ મુદ્દા પર મીડિયાને સંબોધિત કરી ચૂક્યા છે. અગાઉ, તેમણે કટાક્ષ કર્યો હતો, “તો વિવાદ શું છે? વિવાદ કોણ ઊભો કરી રહ્યું છે? આ બધો ધંધો છે, લોકોની માનસિકતા સાથે રમીને પૈસા કમાવવાનો એક રસ્તો છે.”
મોહનલાલની ફિલ્મ L2 એમ્પુરાણ પર વિવાદ કેમ છે?
હકીકતમાં, મોહનલાલ અભિનીત ફિલ્મ L2 એમ્પુરાણ 2002 ના ગુજરાત રમખાણોનું કાલ્પનિક સંસ્કરણ છે, જેમાં પૃથ્વીરાજનું પાત્ર ઝાયેદ મસીદ આ ઘટનાઓથી પ્રભાવિત હોય તેવું લાગે છે. સોશિયલ મીડિયા અને કેટલાક રાજકીય વર્તુળોમાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જેના પગલે નિર્માતાઓએ સેન્સર બોર્ડનો સંપર્ક કર્યો અને સ્વેચ્છાએ 24 કટ કર્યા. આમાં પાત્રનું નામ બદલવું, મહિલાઓ સામે હિંસાના દ્રશ્યો અને ધાર્મિક સ્થળોને લગતા દ્રશ્યો દૂર કરવા શામેલ છે.