દેશમાં પહેલીવાર એવું બન્યું છે કે અદાલતે દલિતો પર અત્યાચારના કેસમાં સામૂહિક રીતે લોકોને આજીવન કેદની સજા સંભળાવી હોય. કર્ણાટકની સેશન્સ કોર્ટે એક સાથે 98 લોકોને આજીવન કેદની સજા ફટકારી છે. 2014ના ભેદભાવ અને જાતિ હિંસાના આ કેસમાં કોર્ટે અન્ય ત્રણને પાંચ-પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. ગંગાવતી તાલુકાના મારાકુંબી ગામમાં દલિતોને નિશાન બનાવવા અને ભેદભાવ કરવાનો મામલો સામે આવ્યો છે.
જજ ચંદ્રશેખર સીએ આ કેસમાં 101 લોકોને દોષિત ઠેરવ્યા હતા. તેમાંથી ત્રણને ઓછી સજા આપવામાં આવી હતી કારણ કે તેમની સામે SC-ST એક્ટ 1989 લાગુ કરી શકાયો ન હતો. વાસ્તવમાં તેઓ પણ દલિત સમુદાયના છે. સૂત્રોનું કહેવું છે કે દલિતો પર અત્યાચારના મામલામાં આટલા લોકોને સામૂહિક રીતે સજા સંભળાવવાની આ પહેલી ઘટના છે.
સરકારી વકીલ અપર્ણા બંડીએ કહ્યું કે આ કેસમાં 117 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 29 ઓગસ્ટ 2014ના રોજ દલિતો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને તેમના ઘરોને આગ ચાંપી દેવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ ઉપરાંત મારાકુંબી ગામમાં દલિતોને વાળંદની દુકાને જવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. દલિતોને કરિયાણાની દુકાનમાં સામાન મળતો ન હતો.
હિંસા બાદ મારકુમ્બી ગામમાં ત્રણ મહિના સુધી પોલીસ તૈનાત કરવામાં આવી હતી. રાજ્ય દલિત અધિકાર સમિતિએ પણ આંદોલન કર્યું હતું. આ સિવાય ગંગાવતી પોલીસ સ્ટેશનને ઘણા દિવસો સુધી સીલ કરવામાં આવ્યું હતું. આ કેસની ચાર્જશીટમાં સામેલ લોકોમાંથી 16 લોકોના મોત સુનાવણી દરમિયાન થયા હતા. ગુનેગારોને બલ્લારી જેલમાં રાખવામાં આવ્યા છે અને તેમના પર 5000 રૂપિયા અથવા 2000 રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.