મહારાષ્ટ્રના લાતુર શહેરમાં સરકારી કોલેજની હોસ્ટેલમાં રાત્રિભોજન કર્યા બાદ ઘણા વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. 50 વિદ્યાર્થીનીઓને શંકાસ્પદ ફૂડ પોઈઝનિંગના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. પુરનમલ લાહોટી સરકારી પોલિટેકનિકની આ હોસ્ટેલમાં 324 વિદ્યાર્થીનીઓ રહે છે. અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે સાંજે લગભગ 7 વાગે વિદ્યાર્થીનીઓએ ભાત, ચપાતી, ભીંડાનું શાક ખાધું અને દાળનું સૂપ પીધું. રાત્રે 8.30 વાગ્યા સુધીમાં, તેમાંથી ઘણાને અસ્વસ્થતા અનુભવાઈ હતી અને કેટલીક વિદ્યાર્થિનીઓને ઉલ્ટી થવા લાગી હતી. વિદ્યાર્થીઓએ કહ્યું કે ખોરાકમાં ગરોળી મળી આવી હતી. જો કે સમગ્ર મામલાની તપાસ હજુ ચાલુ છે.
હોસ્ટેલમાંથી આવી માહિતી મળતા જ કોલેજના પ્રિન્સિપાલ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે લાતુરમાં વિલાસરાવ દેશમુખ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડીન ડૉ. ઉદય મોહિતેને જાણ કરી. પીડિત વિદ્યાર્થીનીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ડો.મોહિતેએ જણાવ્યું કે મોડીરાત સુધી 50 જેટલી વિદ્યાર્થિનીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમાંથી 20 લોકોને સવારે 3 વાગ્યા સુધીમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અન્ય 30 વિદ્યાર્થીનીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમાંથી કોઈની હાલત ગંભીર નથી.
ફૂડ સેમ્પલની તપાસ ચાલુ છે
કૉલેજના પ્રિન્સિપાલ વીડી નિતનાવરેએ કહ્યું, ‘હોસ્ટેલની કેટલીક વિદ્યાર્થિનીઓ બીમાર હોવાના સમાચાર મળ્યા બાદ અમે તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા. પીડિત તમામ વિદ્યાર્થીનીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કોઈપણ વિદ્યાર્થીને કોઈ જોખમ ન હોય તેની ખાતરી કરવા માટે વ્યાપક આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી હતી. ચિંતા કરવાની કોઈ જરૂર નથી.’ તેમણે કહ્યું કે શિવાજીનગર પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને અધિકારીઓએ ખાદ્યપદાર્થોના સેમ્પલ લીધા. સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ ફૂડ પોઈઝનિંગનું કારણ જાણી શકાશે. ઘટનાની માહિતી મળ્યા બાદ લાતુર લોકસભાના સભ્ય શિવાજી કલગે વિદ્યાર્થિનીઓની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. કોંગ્રેસના સાંસદે લાતુર જિલ્લા મેજિસ્ટ્રેટ વર્ષા ઠાકુર ઘુગેનો પણ સંપર્ક કર્યો હતો અને ઘટના માટે જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી હતી.