બીજેપી ધારાસભ્ય રાહુલ નાર્વેકરે રવિવારે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. તેમણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બંને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવારની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે, ચંદ્રકાંત પાટીલ અને અન્ય નેતાઓ પણ હાજર હતા.
જો કે, મહાવિકાસ અઘાડી (MVA) દ્વારા હજુ સુધી આ પદ માટેના કોઈપણ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી.સ્પીકર પદ માટે આવતીકાલે 9 ડિસેમ્બરે બપોરે ચૂંટણી યોજાશે.
MVA સભ્યોએ ધારાસભ્ય તરીકે શપથ લીધા
મહા વિકાસ અઘાડી (MVA) ના સભ્યોએ રવિવારે નવી રચાયેલી વિધાનસભામાં ધારાસભ્ય તરીકે શપથ લીધા. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઈવીએમનો દુરુપયોગ થયો હોવાના આક્ષેપ સાથે તેમણે વિધાનસભાના ત્રણ દિવસીય વિશેષ સત્રના પ્રથમ દિવસે (શનિવારે) શપથ ગ્રહણ સમારોહનો બહિષ્કાર કર્યો હતો. કોંગ્રેસના નેતાઓ નાના પટોલે, વિજય વડેટ્ટીવાર અને અમિત દેશમુખ, એનસીપી-એસપીના અમિત દેશમુખ અને શિવસેના (યુબીટી)ના આદિત્ય ઠાકરે સહિત કેટલાક ધારાસભ્યોએ આજે ગૃહની કાર્યવાહી શરૂ થયા પછી તરત જ શપથ લીધા હતા.