Loksabha Election Result 2024: કેરલની હોટ સીટ તિરુવનંતપુરમના પરિણામ સામે આવી ગયા છે. કોંગ્રેસના ઉમેદવાર શશિ થરૂરે તિરુવનંતપુરમ બેઠક પરથી સતત ચોથીવાર જીત મેળવી છે. તેમણે આ બેઠક પરથી મોદી સરકારના મંત્રી રાજીવ ચંદ્રશેખરને કાંટે કી ટક્કરમાં હરાવ્યા હતા.
શશિ થરૂરે જીત પછી કહ્યું, “ભાજપને ખૂબ જ મજબૂત સંદેશ મળ્યો છે કે કેરલમાં સાંપ્રદાયિક કેમ્પેઈન ચાલશે નહીં. મેં પહેલેથી જ કહ્યું હતું કે એક્ઝિટ પોલ ભારતભરમાં પ્રચાર દરમિયાન મેં જમીન પર જે જોયું તેના અનુરૂપ નથી. આજે આપણે જે પરિણામો મેળવી રહ્યા છીએ તે પ્રચાર દરમિયાન આપણે જે જોયું તેની નજીક છે.
શશિ થરૂરે કહ્યું, “અંત સુધી અહીં કાંટે કી ટક્કર હતી. મારે રાજીવ ચંદ્રશેખર અને પન્નિયન રવીન્દ્રન બંનેને આટલી સારી લડાઈ લડવા અને અહીં તેમના પક્ષોના પ્રદર્શનમાં આટલી મજબૂતીથી સુધારો કરવા બદલ અભિનંદન આપવા જોઈએ. મને ખુશી છે કે અંતે મતદારોએ તિરુવનંતપુરમે ફરી એકવાર મારામાં વિશ્વાસ વ્યક્ત કરવાનો નિર્ણય કર્યો છે, જે તેઓએ છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં કર્યો હતો અને હું સ્પષ્ટપણે તેમના વિશ્વાસને પૂર્ણ કરવા અને આ મતવિસ્તાર માટે સખત મહેનત કરવા તૈયાર છું.
રાજસ્થાનમાં ભાજપને ઝટકો લાગી શકે
સમગ્ર દેશની નજર રાજસ્થાનની 25 લોકસભા સીટો પર છે. ચૂંટણી પંચે કુલ 56 મતગણતરી નિરીક્ષકોની નિમણૂક કરી છે. NDA 14 બેઠકો પર આગળ છે. ઈન્ડિયા ગઠબંધન 8 બેઠકો પર આગળ છે જ્યારે અન્ય 3 બેઠકો પર આગળ છે. મતગણતરીના શરુઆતના વલણોમાં કૉંગ્રેસનું પ્રદર્શન રાજસ્થાનમાં ખૂબ જ સારુ જોવા મળી રહ્યું છે.
તમિલનાડુમાં ભાજપનું પ્રદર્શન નિરાશાજનક
તમિલનાડુની તમામ બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થયું હતું. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ડીએમકેને બમ્પર જીત મળી હતી. આ પાર્ટીએ 39માંથી 38 બેઠકો કબજે કરી હતી. આ વખતે બીજેપી અન્નામલાઈના નેતૃત્વમાં ચૂંટણીમાં ઉતરી છે. તમિલનાડુમાં ફરી એક વખત ડીએમકેનો દબદબો જોવા મળી રહ્યો છે.
543 લોકસભા સીટોના ટ્રેન્ડમાં હાલમાં NDA 295 સીટો પર આગળ છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સ હાલમાં 230સીટો પર આગળ છે. આ સિવાય 18 સીટો અન્યના ખાતામાં જતી જોવા મળી રહી છે. એનડીએનો હિસ્સો જેડીયુને કુલ 15 બેઠકો મળતી દેખાઈ રહી છે. તેમજ ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપી 16 સીટો પર આગળ છે.