કેરળમાં ગરીબો માટેની પેન્શન યોજનાને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. તેનું કારણ એ છે કે આર્થિક રીતે મજબૂત એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળી રહ્યો છે. એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં લગભગ 1458 એવા સરકારી કર્મચારીઓ છે, જેઓ ગેરકાયદેસર રીતે સામાજિક કલ્યાણ પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યા છે. હવે આ યાદીમાં BMW અને મોટા બંગલાવાળા લોકોના નામ પણ સામેલ થઈ ગયા છે.
BMW માલિકોને પેન્શન મળી રહ્યું છે
સામાજિક કલ્યાણ પેન્શન યોજના આર્થિક રીતે નબળા વર્ગ માટે ચલાવવામાં આવે છે. પરંતુ BMW કારના માલિકો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલો મલપ્પુરમ જિલ્લાની કોટ્ટક્કલ નગરપાલિકાનો છે. જ્યાં ઓડિટ દરમિયાન યોજનામાં આવી મોટી ગેરરીતિઓ અંગે માહિતી મળી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એવા લોકો પણ છે જેઓ એસીવાળા મોટા ઘરોમાં રહે છે અને BMW જેવી મોટી કારમાં મુસાફરી કરે છે.
સરકારી કર્મચારીઓના નામ પણ
આ રિપોર્ટ પર કેરળના નાણામંત્રી કેએન બાલ ગોપાલની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે પેન્શન લાભાર્થીઓની યાદીમાં સરકારી કર્મચારીઓના નામ છે. આ લોકોએ પેન્શનની રકમ ગેરકાયદેસર રીતે લીધી છે. આવા લોકો પાસેથી પેન્શનની સંપૂર્ણ રકમ વસૂલ કરવામાં આવશે. આ ઉપરાંત આ કામમાં સંડોવાયેલા તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એલડીએફ સરકારે ઝડપી તપાસના આદેશ આપ્યા છે.
આ યોજના હેઠળના લાભાર્થીઓમાં એક એવી વ્યક્તિ પણ છે જેનું લાંબા સમય પહેલા અવસાન થયું હોય. ઓડિટમાં બહાર આવ્યું છે કે એવા ઘણા લાભાર્થીઓ છે જેઓ 2,000 ચોરસ ફૂટથી મોટા મકાનોમાં રહે છે. આ સમગ્ર મામલે એક વાત સ્પષ્ટ છે કે મોટાભાગના લોકો એક જ વોર્ડના પેન્શન લિસ્ટમાં સામેલ છે. આ જોતાં નાણા વિભાગને મોટા પાયે ભ્રષ્ટાચાર અને અધિકારીઓની મિલીભગતની શંકા છે.
આ યોજના હેઠળ રાજ્ય સરકાર આર્થિક રીતે નબળા લોકોને દર મહિને 1600 રૂપિયા પેન્શનની રકમ આપે છે. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 50 વર્ષથી વધુ ઉંમરની અપરિણીત મહિલાઓને લાભ મળે છે.