વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારત મંડપમ ખાતે યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) દ્વારા આયોજિત વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઈઝેશન એસેમ્બલી (WTSA)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC)ની આઠમી આવૃત્તિનું પણ ઉદ્ઘાટન કર્યું. વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન્સ સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (WTSA) કોન્ફરન્સ ચાર વર્ષના અંતરાલ પર યોજાય છે. તેમાં સ્વીકારવામાં આવેલી ભલામણો અને દરખાસ્તો સંચાર તકનીકોના વિકાસની દિશા નક્કી કરે છે.
પ્રથમ વખત, ITU-WTSA ભારત અને એશિયા-પેસિફિકમાં હોસ્ટ કરવામાં આવી રહી છે. પીએમઓએ કહ્યું કે આ એક મહત્વપૂર્ણ વૈશ્વિક ઘટના છે જે 190 થી વધુ દેશોના 3,000 થી વધુ ઉદ્યોગ નેતાઓ, નીતિ નિર્માતાઓ અને તકનીકી નિષ્ણાતોને એક પ્લેટફોર્મ પર એકત્ર કરવા જઈ રહી છે. આ નિષ્ણાતો ટેલિકોમ્યુનિકેશન, ડિજિટલ અને આઈસીટી સેક્ટરનું પ્રતિનિધિત્વ કરે છે.
અગાઉ, પીએમઓએ કહ્યું હતું કે, WTSA 2024 દરમિયાન, ઘણા દેશોના પ્રતિનિધિઓ 6G, AI, IoT, બિગ ડેટા અને સાયબર સિક્યોરિટી જેવી મહત્વપૂર્ણ નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજીના ધોરણો અને ભવિષ્ય વિશે ચર્ચા કરશે.
ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં સહભાગિતા બમણી થઈ
આઈટીયુના અધિકારીએ જણાવ્યું હતું કે, ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સમર્થિત ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની આઠમી આવૃત્તિનું પણ WTSA સાથે આયોજન કરવામાં આવશે. અનેક દેશોના પ્રદર્શકો, સ્ટાર્ટઅપ્સ વગેરેની સહભાગિતાના સંદર્ભમાં વાર્ષિક ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું કદ ગયા વર્ષ કરતાં લગભગ બમણું થઈ ગયું છે.
IMCના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) રામકૃષ્ણ પીએ જણાવ્યું હતું કે, આ વખતે IMC વધુ સારું બનવા જઈ રહ્યું છે, કારણ કે ગયા વર્ષની સરખામણીમાં વૈશ્વિક ભાગીદારી લગભગ બમણી થઈ ગઈ છે. આ વખતે 120 થી વધુ દેશો ભાગ લે તેવી અપેક્ષા છે, જે એશિયાના સૌથી મોટા ટેક્નોલોજી એક્સ્પો તરીકે IMCની સ્થિતિને મજબૂત કરશે અને વૈશ્વિક ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં એક મુખ્ય બળ બનશે.