ભારતે પેઇનકિલર્સ ટેપેન્ટાડોલ અને કેરીસોપ્રોડોલના ઉત્પાદન અને નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. પશ્ચિમ આફ્રિકન દેશોમાં આ દવાઓના દુરુપયોગના અહેવાલોને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. આ બંને દવાઓ ભારતમાંથી પશ્ચિમ આફ્રિકન દેશોમાં નિકાસ કરવામાં આવે છે.
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ કંટ્રોલ ઓથોરિટીઝને બંને દવાઓના તમામ સંયોજનો માટે નિકાસ સંબંધિત નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) અને ઉત્પાદન પરવાનગીઓ રદ કરવા જણાવ્યું છે.
ટેપેન્ટાડોલ એક ઓપીયોઇડ દવા છે જેનો ઉપયોગ મધ્યમથી ગંભીર દુખાવાની સારવાર માટે થાય છે. ઓપિયોઇડ્સ એવી દવાઓ છે જે અફીણમાંથી બનાવી શકાય છે. આ નશાકારક છે અને વ્યસનકારક હોઈ શકે છે. કેરીસોપ્રોડોલ એક સ્નાયુ આરામ આપનાર છે જે મગજ અને કરોડરજ્જુના કેન્દ્રો પર કામ કરીને દુખાવો દૂર કરે છે.
દવા કંપની પર દરોડા
મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા પાલઘરમાં ફાર્માસ્યુટિકલ કંપની એવિયો ફાર્માસ્યુટિકલ્સ પર ગેરકાયદેસર રીતે ઓપીઓઇડ શ્રેણીની દવાઓની નિકાસ કરવાના આરોપમાં દરોડા પાડવામાં આવ્યા હતા. કંપનીને કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી છે.