જ્યારે ભારત આઝાદ થયું ત્યારે તે રજવાડાઓમાં વહેંચાયેલું હતું. તે સમયે લગભગ 565 રજવાડા હતા, જેઓ પોતાનું શાસન ઇચ્છતા હતા. તે સમયે પડકાર મજબૂત ભારત બનાવવાનો હતો અને આ રજવાડાઓ તેમાં સૌથી મોટો અવરોધ હતા. હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર સિવાય, 562 રજવાડાઓએ ભારતમાં જોડાવાની મંજૂરી આપી.
જૂનાગઢ રજવાડું પાકિસ્તાનમાં જોડાવા માગતું હતું. કાશ્મીર સ્વતંત્ર રહેવા માંગતું હતું. પરંતુ પાછળથી સેનાની મદદથી જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરને જોડી દેવામાં આવ્યા. આ બધુ દેશના તત્કાલિન ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન સરદાર પટેલના પ્રયાસોને કારણે બન્યું હતું.
કેન્દ્ર સરકારે દર વર્ષે 17 સપ્ટેમ્બરને હૈદરાબાદ મુક્તિ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે અને અર્ધલશ્કરી દળો પરેડ કરશે. આ સમારોહમાં દર્શાવવામાં આવશે કે કેવી રીતે હૈદરાબાદને નિઝામના ક્રૂર શાસનમાંથી મુક્ત કરવામાં આવ્યું અને ભારતમાં સામેલ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.
અગાઉ, ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે સરકારે હૈદરાબાદ મુક્તિ ચળવળના શહીદોના સન્માનમાં દર વર્ષે 17 સપ્ટેમ્બરને હૈદરાબાદ લિબરેશન ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે આ નિર્ણય એ સ્વતંત્રતા સેનાનીઓ અને શહીદોને સાચી શ્રદ્ધાંજલિ છે જેમણે હૈદરાબાદ ક્ષેત્રને અત્યાચારી નિઝામ શાસનમાંથી મુક્ત કરવા અને ભારતનો હિસ્સો રહેવા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં શાહે કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે અને આ નિર્ણય યુવાનોમાં દેશભક્તિની જ્યોત પ્રજ્વલિત કરશે અને સ્વતંત્રતા ચળવળના આપણા નાયકોને અમર કરશે.
17 સપ્ટેમ્બર 1948ના રોજ, હૈદરાબાદને નિઝામના શાસનમાંથી મુક્ત કરવામાં આવ્યું અને ભારતમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. ત્યારબાદ સરદાર પટેલના આદેશ પર ભારતીય સેનાએ નિઝામના અત્યાચારો સામે ‘ઓપરેશન પોલો’ શરૂ કર્યું.
આ ઓપરેશન નિઝામના શાસન અને રઝાકારોના અત્યાચાર સામે નિર્ણાયક કાર્યવાહી હતી. રઝાકારો સ્વતંત્ર ભારતમાં હૈદરાબાદના વિલીનીકરણનો વિરોધ કરતા નિઝામને વફાદાર ખાનગી મિલિશિયા હતા. પરંતુ સેનાની કાર્યવાહી સામે હૈદરાબાદના નિઝામ અને તેની સેનાને નમવું પડ્યું.
હૈદરાબાદ એ કેટલાક રજવાડાઓમાંનું એક હતું જેનું વિલીનીકરણ આઝાદીના 13 મહિના પછી થયું હતું. શરૂઆતમાં ભારત અને હૈદરાબાદ વચ્ચે શાંતિ જાળવવા માટે કરાર કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે નિઝામના પક્ષે આ વાત ન સ્વીકારી અને હિંસાનો આશરો લીધો, ત્યારે સેનાએ દરમિયાનગીરી કરવી પડી.
હૈદરાબાદ મુક્તિ ચળવળને જનતાનો સંપૂર્ણ ટેકો મળ્યો. લોકો ઇચ્છતા હતા કે હૈદરાબાદ ભારતનો ભાગ બને. તે સમયે લોકો રસ્તા પર આવીને વંદે માતરમના નારા લગાવતા હતા. હૈદરાબાદ તેના કદ અને વ્યૂહાત્મક મહત્વના કારણે પણ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું, જેના કારણે સરદાર પટેલે હૈદરાબાદને ભારતનો ભાગ બનાવવા માટે તેમની તમામ શક્તિનો ઉપયોગ કર્યો.