Nepal Landslide : નેપાળમાં ખરાબ હવામાનને કારણે ભારે ભૂસ્ખલનની માહિતી સામે આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મધ્ય નેપાળમાં મદન-અશિર્તા હાઈવે પર આજે સવારે મોટા ભૂસ્ખલનને કારણે લગભગ 63 મુસાફરોને લઈને બે બસો ત્રિશુલી નદીમાં પડી ગઈ છે. આથી હોબાળો મચી ગયો છે. આ ઘટનામાં 7 ભારતીયોના મોત થયા છે. જ્યારે 50 લોકો ગુમ હોવાના અહેવાલ છે. રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. નદીમાં ડૂબેલા લોકોને બચાવવા માટે સ્થાનિક લોકો પણ પ્રશાસનને મદદ કરી રહ્યા છે. “પ્રારંભિક માહિતી મુજબ, બસ ડ્રાઇવરો સહિત કુલ 63 લોકો બંને બસમાં મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટના સવારે સાડા ત્રણ વાગ્યે બની હોવાનું કહેવાય છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અંધકારને કારણે, ભૂસ્ખલનનો ભોગ બનેલી બંને બસો સવારે લગભગ 3.30 વાગ્યે ત્રિશુલી નદીમાં વહી ગઈ હતી. નેપાળમાં ચિતવનના મુખ્ય જિલ્લા અધિકારી ઇન્દ્રદેવ યાદવે ANIને જણાવ્યું કે અમે ઘટના સ્થળે છીએ અને સર્ચ ઓપરેશન ચાલુ છે. ગુમ થયેલી બસોને શોધવાના અમારા પ્રયાસો સતત વરસાદને કારણે અવરોધાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે નેપાળમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ અને ભૂસ્ખલન ચાલુ છે. જેના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. ઘણી જગ્યાએ, ભૂસ્ખલનને કારણે હાઇવે તૂટી ગયા છે અથવા નુકસાન થયું છે. આવી સ્થિતિમાં લોકોને અવરજવરમાં અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ હજુ પણ અટકતો નથી.
નારાયણ ઘાટ પાસે અકસ્માત થયો હતો
શુક્રવારે નારાયણઘાટ-મુગલિંગ રોડ સેક્શન પર સિમલતાલમાં ભૂસ્ખલન બાદ આ ઘટના બની હતી. જેમાં બે પેસેન્જર બસો ધોવાઈ જતાં ઓછામાં ઓછા 60 લોકો ગુમ થઈ ગયા છે. ચિતવનના મુખ્ય જિલ્લા અધિકારીના જણાવ્યા અનુસાર, કાઠમંડુ જતી એન્જલ ડીલક્સ અને ગણપતિ ડીલક્સ સવારે 3.30 વાગે અકસ્માતનો ભોગ બન્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે કાઠમંડુ જતી બસમાં 24 લોકો અને અન્ય બસમાં 41 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ગણપતિ ડીલક્સમાં મુસાફરી કરી રહેલા ત્રણ મુસાફરો વાહનમાંથી કૂદીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. એક અલગ અકસ્માતમાં, તે જ રોડ પટના 17 કિલોમીટરમાં બીજી પેસેન્જર બસ પર પથ્થર પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.