જો તમે હવાઈ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો હેન્ડ લગેજ સંબંધિત નવા નિયમોથી વાકેફ રહેવું જરૂરી છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS) એ મુસાફરો માટે નવા હેન્ડ બેગેજ નિયમો જારી કર્યા છે, જે અંતર્ગત હવે મુસાફરોને ફ્લાઈટની અંદર ફક્ત એક જ હાથનો સામાન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે, જેનું વજન 7 કિલોથી વધુ ન હોવું જોઈએ.
આ નવા નિયમો ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ બંને ફ્લાઈટ પર લાગુ થશે. જે દરેક મુસાફરને માત્ર એક જ હેન્ડ બેગેજ લઈ જવા દે છે. આ ઉપરાંત, કોઈપણ વધારાની બેગને ચેક-ઈન કરવું ફરજિયાત રહેશે, જેથી એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાને સુવ્યવસ્થિત બનાવી શકાય.
BCAS, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના સહયોગથી, સુરક્ષા ચોકીઓ પર મુસાફરોની વધતી સંખ્યાને કારણે આ ફેરફારો લાગુ કર્યા છે. આવી સ્થિતિમાં, મુસાફરો હવે તેમની ફ્લાઇટના ગંતવ્યને ધ્યાનમાં લીધા વિના, 7 કિલો વજનની એક કેબિન બેગ સુધી મર્યાદિત છે. જો વજન 7 કિલોથી વધુ હોય તો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.
એરલાઇન્સ હેન્ડ બેગેજ પોલિસી
એર ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે ઈકોનોમી અને પ્રીમિયમ ઈકોનોમી પેસેન્જર્સ એક હેન્ડ બેગ 7 કિલો સુધી લઈ જઈ શકે છે. ફર્સ્ટ કે બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરનારાઓ માટે આ મર્યાદા વધારીને લગભગ 10 કિલો કરવામાં આવી છે. હેન્ડ બેગેજની ઊંચાઈ 55 સેમી, લંબાઈ 40 સેમી અને પહોળાઈ 20 સેમીથી વધુ ન હોવી જોઈએ.
ઇન્ડિગો એરલાઇન્સ મુસાફરોને મહત્તમ 115 સે.મી.ના પરિમાણ અને 7 કિલો વજન સુધીની એક કેરી-ઓન બેગની મંજૂરી આપે છે. વધુમાં, મુસાફરો કોઈપણ અંગત વસ્તુ જેમ કે મહિલાનું પર્સ અથવા નાની લેપટોપ બેગ લાવી શકે છે, જો તેનું વજન 3 કિલોથી વધુ ન હોય.