રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. જિલ્લાના બારી સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે ધોલપુર-કરૌલી હાઇવે પર સ્લીપર બસ અને ટેમ્પો વચ્ચે જોરદાર અથડામણમાં 11 લોકોના મોત થયા હતા. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 11 લોકોના મોત નિપજતાં અરેરાટી ફેલાઇ હતી. અકસ્માતના સમાચારથી પોલીસ પ્રશાસન પણ ચોંકી ઉઠ્યું હતું. મૃતદેહોને ધોલપુર જિલ્લાના બારીની સરકારી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર બારી સદર પોલીસ સ્ટેશન વિસ્તારના સુનીપુર ગામ પાસે નેશનલ હાઈવે નંબર 11B પર મોડી રાત્રે આ અકસ્માત થયો હતો. સ્લીપર કોચ બસ અને ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ટેમ્પોમાં સવાર 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં આઠ માસૂમ બાળકો, બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. અકસ્માતનો ભોગ બનેલા લોકો બરૌલી ગામમાં માયર (ભાટ)ના પારિવારિક સમારોહમાં હાજરી આપીને ગામમાં પાછા ફરી રહ્યા હતા. માર્યા ગયેલા તમામ લોકો બારી શહેરના ગુમત વિસ્તારના રહેવાસી હતા.
લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ
અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બાદમાં પોલીસ અને પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક બારીની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં આઠ બાળકો સહિત 11 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અકસ્માતના સમાચાર બાદ મૃતકના પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ. મૃતકના સ્વજનો નિરાશામાં હોસ્પિટલે દોડી આવ્યા હતા.
બારીની સરકારી હોસ્પિટલમાં ગ્રામજનો એકઠા થયા હતા
અકસ્માતના કારણો હાલ જાણી શકાયા નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. બારીની સરકારી હોસ્પિટલમાં મૃતકના સંબંધીઓ અને અન્ય ગ્રામજનોનો મેળાવડો છે. ગ્રામજનો પીડિત પરિવારોને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેમના આંસુ રોકાતા નથી. એક જ પરિવારના 11 લોકોના મોતથી બારીના ગુમત વિસ્તારમાં શોકનો માહોલ છે. અકસ્માત વિશે જેણે પણ સાંભળ્યું તે સ્તબ્ધ થઈ ગયું.