દિલ્હીની શાળાઓને ફરી એકવાર બોમ્બની ધમકી મળી છે. આજે સવારે દક્ષિણ દિલ્હી અને ઉત્તર પશ્ચિમ દિલ્હીની બે શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા, જેને જોઈને પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ફાયર બ્રિગેડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્કવોડ સાથે દક્ષિણ દિલ્હીની ઈન્ડિયન પબ્લિક સ્કૂલ અને ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં સરસ્વતી વિહારની એક સ્કૂલમાં પહોંચી ગઈ હતી. શાળાને ખાલી કરાવ્યા પછી, તમામ ટીમોએ દરેક ખૂણે ખૂણે શોધખોળ કરી, પરંતુ હજી સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. ન્યૂઝ એજન્સી ANIએ દિલ્હી પોલીસને ટાંકીને ધમકીની માહિતી આપી છે. સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ પોલીસે આ મામલે મીડિયાને માહિતી આપી હતી.
16 અને 13 ડિસેમ્બરે પણ ધમકીઓ મળી હતી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના એક અધિકારીએ જણાવ્યું કે, 16 ડિસેમ્બર, સોમવારે લગભગ 20 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ વખતે ઉત્તર-પશ્ચિમ દિલ્હીના સરસ્વતી વિહાર સ્થિત ક્રેસન્ટ પબ્લિક સ્કૂલ ડીપીએસ આરકે પુરમને પણ ધમકીભર્યા સંદેશા મળ્યા હતા. આ પહેલા 13 ડિસેમ્બરે દિલ્હીની 16 શાળાઓને બોમ્બની ધમકી મળી હતી. ડીપીએસ ઈસ્ટ ઓફ કૈલાશ, સલવાન સ્કૂલ, મોર્ડન સ્કૂલ અને કેમ્બ્રિજ સ્કૂલ સહિત અનેક સ્કૂલોને ધમકી આપવામાં આવી હતી, પરંતુ તપાસમાં કંઈ મળ્યું ન હતું.
8મી ડિસેમ્બરે ધમકીભર્યા ઈમેલ પણ આવ્યા હતા
આ પહેલા 8 ડિસેમ્બરે પણ દિલ્હીની લગભગ 40 સ્કૂલોને ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. આ ઈમેલમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ હતી. દિલ્હી પોલીસે ડોગ સ્ક્વોડ, સર્ચિંગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ સાથે મળીને શાળાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ તપાસમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. શાળાની રજાઓ બાદ બાળકોને તેમના વાલીઓ દ્વારા બોલાવીને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. ધમકીઓ આપવાની સાથે શાળાઓ પાસેથી 30 હજાર યુએસ ડોલરની ખંડણી પણ માંગવામાં આવી હતી.