છેલ્લા ઘણા દિવસોથી સતત વિમાનોમાં બોમ્બ હોવાના અહેવાલો આવી રહ્યા છે. 6 દિવસમાં 70 ફ્લાઈટમાં બોમ્બ એલર્ટ મળ્યા છે. આ યાદીમાં એર ઈન્ડિયા, અકાસા, ઈન્ડિગો, વિસ્તારા અને એર એશિયા સહિત અનેક એરલાઈન્સ કંપનીઓના વિમાન સામેલ છે. બોમ્બ એલર્ટના કારણે ભારત અને વિદેશની ઘણી ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે, જેના કારણે એરલાઈન્સ કંપનીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. જો કે, આ બોમ્બ એલર્ટ કોણે અને શા માટે મોકલ્યા? આ કોઈ જાણતું નથી. આવી સ્થિતિમાં દિલ્હી પોલીસે આરોપીને પકડવા માટે ટ્વિટર સહિત ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મદદ લીધી છે.
દિલ્હી પોલીસ એક્શન મોડમાં આવી
શનિવારે, 180 મુસાફરો સાથે બેંગલુરુથી ઉડાન ભરેલી અકાસા એરલાઇન્સની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. જેના કારણે સમગ્ર એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે આ મામલે FIR નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. બેંગલુરુ એરપોર્ટ સિવાય દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર પણ આવી ઘણી ધમકીઓ મળી છે. દિલ્હી પોલીસ આ તમામ કેસનું રહસ્ય ઉકેલવામાં વ્યસ્ત છે.
દિલ્હી પોલીસે એક ટીમ બનાવી
દિલ્હી પોલીસે શ્રેષ્ઠ અધિકારીઓની એક ટીમ તૈયાર કરી છે, જે સાયબર સેલ અને IFSO સાથે મળીને કેસની તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે આરોપીઓએ VPN અને ડાર્ક વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને જુદા જુદા એકાઉન્ટમાંથી બોમ્બ એલર્ટ મોકલ્યો હતો. પોલીસે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપીલ કરી છે. પોલીસનું કહેવું છે કે તે તમામ પોસ્ટ ડિલીટ કરી દેવા જોઈએ અને એકાઉન્ટ સસ્પેન્ડ કરવું જોઈએ.
ટ્વિટરની મદદ માંગી
પીટીઆઈ સાથે વાત કરતા એક પોલીસ અધિકારીએ કહ્યું કે અમને શંકા છે કે હેન્ડલરે વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (VPN) અને ડાર્ક વેબનો ઉપયોગ કરીને ટ્વિટર પર પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફ્લાઈટની અંદર બોમ્બ હતો. એકાઉન્ટનું IP એડ્રેસ ચેક કરવા માટે અમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સંપર્ક કર્યો છે.
BCAS એ એક બેઠક બોલાવી
તમને જણાવી દઈએ કે આ અઠવાડિયામાં જ 70 સ્થાનિક અને વિદેશી ફ્લાઈટને બોમ્બની ધમકી મળી છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ તમામ એરલાઈન્સના સીઈઓ સાથે બેઠક યોજી છે. સોમવારથી શનિવારની વચ્ચે 30 ભારતીય ફ્લાઈટ્સ પર બોમ્બ હોવાની જાણ થઈ હતી. જેના કારણે એર ઈન્ડિયા, ઈન્ડિગો, વિસ્તારા, અકાસા, સ્પાઈસ જેટ, સ્ટાર એર અને એલાયન્સ એરની ફ્લાઈટને માઠી અસર થઈ છે.