NIAએ ગુજરાતમાં નકલી ભારતીય ચલણી નોટો ફરાવવાના કાવતરામાં સામેલ અન્ય એક આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી છે. બિહારના કટિહારનો રહેવાસી અબ્દુલ ગફાર 2019થી ફરાર હતો. NIA દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, તેને 22 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાંથી પકડવામાં આવ્યો હતો.
તપાસ એજન્સીએ અમદાવાદની સ્પેશિયલ NIA કોર્ટમાં ગફાર વિરુદ્ધ તેની પ્રથમ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. તે ગુજરાતમાં નકલી ચલણી નોટોના પરિભ્રમણ અને વિતરણ માટે ઘણા આરોપીઓ દ્વારા ઘડવામાં આવેલા ગુનાહિત કાવતરામાં સામેલ હોવાનો આરોપ છે.
કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ કેસ નોંધાયેલ
વિગતો આપતા, NIAએ જણાવ્યું છે કે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) સુરતે જૂન 2019માં રેલવે સ્ટેશન પરથી વિનોદ નિષાદ ઉર્ફે વિનોદ સાહનીની નકલી નોટો સાથે ધરપકડ કરી હતી. તેને લેનાર મહેફૂઝ શેખની પણ ધરપકડ કરવામાં આવી હતી અને કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ કેસમાં ત્રણ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કેસમાં ત્રણ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત મામલો હોવાને કારણે, ગૃહ મંત્રાલયે 18 જુલાઈ, 2019 ના રોજ આ કેસ NIAને ટ્રાન્સફર કર્યો હતો.