Election Commission: કોંગ્રેસે મત ગણતરી દરમિયાન મદદનીશ રિટર્નિંગ ઓફિસર (એઆરઓ) ના ટેબલ પર ઉમેદવારોના કાઉન્ટિંગ એજન્ટોને મંજૂરી ન આપવા પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકને શનિવારે સોશિયલ પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આ પોસ્ટમાં લખ્યું છે કે, “પ્રથમ વખત ઉમેદવારોના કાઉન્ટિંગ એજન્ટ્સને ARO ટેબલ પર મંજૂરી આપવામાં આવશે નહીં. મેં આ પહેલા ક્યારેય લોકસભા કે વિધાનસભાની ચૂંટણી લડી નથી, પરંતુ આવું પહેલીવાર થઈ રહ્યું છે. જો આ સાચું હોય, તો તે કથિત EVM ગોટાળા કરતાં પણ મોટી છે! હું તમામ ઉમેદવારો માટે આ મુદ્દો ઉઠાવી રહ્યો છું! મને આશા છે કે ચૂંટણી પંચ તેને જલ્દી ઠીક કરશે.”
આમાં તેણે ચૂંટણી પંચના સત્તાવાર હેન્ડલને પણ ટેગ કર્યું હતું. લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન સમાપ્ત થયા બાદ શનિવારે માકને આ ટ્વિટ કર્યું હતું. જોકે, ચૂંટણી પંચે આ વાતને નકારી કાઢી છે. રવિવારે, દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ માકનની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી. “તે સ્પષ્ટ કરવામાં આવે છે કે ઉમેદવારોના કાઉન્ટિંગ એજન્ટ્સને RO/ARO ના ટેબલ પર મંજૂરી છે,” તેમણે એક ટ્વિટમાં જણાવ્યું હતું.
તેના જવાબમાં અજય માકને ચૂંટણી પંચનો આભાર માન્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે આજે સવાર સુધી દિલ્હીમાં તેમના અધિકારીઓ એ વાતનો ઇનકાર કરી રહ્યા હતા કે ઉમેદવારોના કાઉન્ટિંગ એજન્ટ્સને એઆરઓ સાથે બેસવાની મંજૂરી આપવામાં આવશે.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે સાતમા તબક્કાના મતદાનમાં સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢમાં લગભગ 62.36 ટકા મતદાન નોંધાયું હતું. સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણીની મતગણતરી 4 જૂને થશે. આ દરમિયાન છ સપ્તાહ સુધી દેશની 543 બેઠકો પર મતદાન થયું હતું. સાતમા તબક્કાના મતદાન બાદ હાથ ધરાયેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં NDAને જંગી બહુમતી મળતી દેખાઈ રહી છે. જો કે, કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષોએ એક્ઝિટ પોલના આંકડાને ખોટા ગણાવ્યા છે અને ઈન્ડિયા એલાયન્સે ઓછામાં ઓછી 295 બેઠકો જીતવાનો દાવો કર્યો છે.