Congress: લોકસભા ચૂંટણી 2024ની મતદાન પ્રક્રિયા શનિવાર, 1 જૂનના રોજ સાતમા તબક્કાના મતદાન સાથે પૂર્ણ થઈ હતી. જે બાદ સાંજે અલગ-અલગ મીડિયા ચેનલો અને સર્વે એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા. ત્રણ સર્વેમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને 400 કે તેથી વધુ સીટો મળવાની આગાહી કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. આ દરમિયાન કોંગ્રેસના નેતા અજય માકને મત ગણતરી પ્રક્રિયાને લઈને બનાવવામાં આવેલા નવા નિયમનો વિરોધ કર્યો હતો. ચૂંટણી પંચ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે પહેલીવાર ઉમેદવારોના કાઉન્ટિંગ એજન્ટ્સને 4 જૂને મતગણતરી પ્રક્રિયા દરમિયાન મદદનીશ રિટર્નિંગ ઓફિસર (એઆરઓ) ના ટેબલ પર મંજૂરી આપવામાં આવશે નહીં.
આ પ્રથમ વખત થઈ રહ્યું છે
તેને ઈવીએમમાં કથિત ગોટાળા કરતાં પણ મોટો મુદ્દો ગણાવતા કોંગ્રેસના નેતાએ ભારતના ચૂંટણી પંચને તેનો ઉકેલ લાવવા વિનંતી કરી. માકને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું હું આ પહેલા નવ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડી ચુક્યો છું અને આવું પહેલીવાર થઈ રહ્યું છે. જો આ સાચું હોય તો તે ઈવીએમમાં કથિત ગોટાળા કરતાં પણ મોટી વાત છે. હું તમામ ઉમેદવારો માટે આ મુદ્દો ઉઠાવી રહ્યો છું. મને આશા છે કે ચૂંટણી પંચના અધિકારીઓ તેને જલ્દી સુધારશે.
મુખ્ય ચૂંટણી અધિકારીએ સ્પષ્ટતા કરી
જો કે, દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે મતગણતરી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોના કાઉન્ટિંગ એજન્ટોને આરઓ અને એઆરઓના ટેબલ પર રહેવાની મંજૂરી આપવામાં આવશે. મુખ્ય ચૂંટણી અધિકારી, દિલ્હી કાર્યાલયે જણાવ્યું હતું કે, ‘તે સ્પષ્ટ કરવામાં આવે છે કે ઉમેદવારોના કાઉન્ટિંગ એજન્ટ્સને RO/AROના ટેબલ પર મંજૂરી છે.’