ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં ગુરુવારે એક મોટો અકસ્માત થયો, કારણ કે એક ટ્રેક્ટર ચાલક રસ્તા પર સ્ટંટ કરીને ‘રીલ’ બનાવવામાં વ્યસ્ત હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘રીલ’ બનાવવામાં વ્યસ્ત એક ટ્રેક્ટર ચાલકે બાઇકને ટક્કર મારી, જેમાં 10મા ધોરણના વિદ્યાર્થીનું મોત થયું અને તેના મિત્રને ઇજા પહોંચી. તેમણે જણાવ્યું કે 17 વર્ષનો લલિત તેના મિત્ર મુનેશ સાથે ઝાંઝર ગામમાં આવેલી ઇન્ટર કોલેજમાંથી હાઇસ્કૂલની પરીક્ષા માટે એડમિટ કાર્ડ લેવા બાઇક પર જઈ રહ્યો હતો.
રાબુપુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુજીત ઉપાધ્યાયે જણાવ્યું હતું કે એક ટ્રેક્ટર ચાલક રસ્તા પર સ્ટંટ કરી રહ્યો હતો, ત્યારે તેના ટ્રેક્ટરે બાઇકને ટક્કર મારી હતી. તેમણે કહ્યું કે અકસ્માતમાં બાઇક સવાર લલિતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેનો મિત્ર મુનેશ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
ઉપાધ્યાયે જણાવ્યું કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. તેમણે કહ્યું કે મુનેશને ગંભીર હાલતમાં બુલંદશહેરની એક હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અધિકારીએ જણાવ્યું કે ઘટના બાદ આરોપી ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
એસએચઓએ જણાવ્યું કે પોલીસે લલિતના પિતા સુંદર પાલની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે અને ટ્રેક્ટર જપ્ત કર્યું છે. આરોપી ડ્રાઇવરની શોધ ચાલી રહી છે.
‘
આજકાલ બાળકો અને યુવાનો રીલ્સ બનાવવાના એટલા બધા વ્યસની બની ગયા છે કે તેઓ બીજાઓની સાથે પોતાનો જીવ જોખમમાં નાખવામાં પણ અચકાતા નથી. આવી સ્થિતિમાં, ખાસ કરીને નાના બાળકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. રીલના કારણે ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ગયા વર્ષે ગાઝિયાબાદમાંથી પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અહીં છઠ્ઠા માળે આવેલી એક સોસાયટીમાં, એક છોકરી તેની બાલ્કનીમાં રીલ બનાવી રહી હતી. આ દરમિયાન તેનો મોબાઇલ હાથમાંથી સરકી ગયો. મોબાઈલ સંભાળવાનો પ્રયાસ કરતી વખતે, છોકરી તે ઊંચાઈ પરથી પડી ગઈ અને ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ.