Bjp: લોકસભા ચૂંટણીમાં ભાજપને ઉત્તર પ્રદેશમાં મોટો ઝટકો લાગ્યો છે. આ વખતે રામમંદિરનો મુદ્દો હોવા છતાં યુપીમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. 2019માં ભાજપને યુપીમાં 62 બેઠકો મળી હતી જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં 33 બેઠકોમાં જ સંતોષ માનવો પડ્યો છે. ભાજપને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી 29 બેઠકો ઓછી મળવાની ચર્ચા આખા દેશમાં ચાલી રહી છે. હવે પાર્ટી પણ તેના પર મંથન કરી રહી છે અને બધા ફીડબેક લીધા બાદ કંઈક કાર્યવાહી થઈ શકે છે. પાર્ટી નેતૃત્વને ઉમેદવારો અને સ્થાનિક નેતાઓ તરફથી અત્યાર સુધી જે ફીડબેક મળ્યા છે તે પ્રમાણે સાંસદોને રાજ્યના કર્મચારીઓ તરફથી સહયોગ ન મળવો. પાર્ટી કાર્યકર્તાઓનું જ વિરુદ્ધ થઈ જવુ અને બંધારણ બદલવાના ખોટા નેરેટિવ જનતામાં ફેલાયા તેનાથી નુકસાન થયું છે.
યુપીમાં હારના કારણોની વિસ્તૃત તપાસ કરવા માટે એક ટાસ્ક ફોર્સનું ગઠન
આટલું જ નહીં ભાજપનું રાજ્ય નેતૃત્વ એક વિસ્તૃત રિપોર્ટ પણ તૈયાર કરી રહ્યું છે. આ રિપોર્ટને આ અઠવાડિયાના અંત સુધીમાં હાઈકમાન્ડને સોંપવામાં આવશે. અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે ભાજપે યુપીમાં હારના કારણોની વિસ્તૃત તપાસ કરવા માટે એક ટાસ્ક ફોર્સનું પણ ગઠન કર્યું છે. આ ટાસ્ક ફોર્સને રાજ્યની 78 બેઠકોની સમીક્ષાનું કામ સોંપવામાં આવ્યું છે. માત્ર પીએમ મોદીની વારાણસી બેઠક અને રક્ષા મંત્રી રાજનાથ સિંહની બેઠક લખનઉની આ ટાસ્ક ફોર્સ સમીક્ષા નહીં કરશે. આ ઉપરાંત રાજ્યની બાકીની તમામ 78 બેઠકોની સમીક્ષા કરવામાં આવશે.
રામમંદિરનો મુદ્દો હોવા છતાં યુપીમાં હાર્યું ભાજપ
ભાજપને સૌથી વધુ હેરાની અમેઠી, ફૈઝાબાદ (અયોધ્યા વાળી બેઠક), બલિયા અને સુલતાનપુર જેવી બેઠકો પર હારથી થઈ છે. આ બેઠકો ભાજપ માટે મજબૂત માનવામાં આવતી હતી. અમેઠીમાં સ્મૃતિ ઈરાનીની કોંગ્રેસના એક સામાન્ય કાર્યકર સામેની હારે સમગ્ર નેરેટિવને ઠેસ પહોંચાડી છે. આ ઉપરાંત અયોધ્યાની હાર પણ ચોંકાવનારી છે. સુલતાનપુરમાં મેનકા ગાંધી જ ચૂંટણી હારી ગયા, જેઓ સતત જીતતા આવ્યા છે. ત્યારબાદ અયોધ્યાની હારે તો સમગ્ર નેરેટિવને જ ઠેસ પહોંચાડી છે. ભાજપે એ બેઠક પર હારનો સામનો કરવો પડ્યો જ્યાં ઐતિહાસિક રામ મંદિર બનાવવામાં આવ્યું છે. 500 વર્ષના ઈતિહાસનું ચક્ર જે અયોધ્યામાં ફર્યું ત્યાં આવી હારે ભાજપને ચોંકાવી દીધું છે.
RSS પરથી પણ માગી રહ્યા ફીડબેક
હવે પાર્ટી આખા નેરેટિવને કેવી રીતે સેટ કરે અને પોતાની હાર કેવી રીતે પચાવવામાં આવે તેની તૈયારી કરી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ભાજપને RSS અને તેની સાથે જોડાયેલા સંગઠનો પાસેથી પણ ફીડબેક મળશે. સંઘના લોકોને પણ કહેવામાં આવ્યું છે કે, તમે સમીક્ષા કરીને જણાવો કે, હારના કારણો શું રહ્યા છે. અત્યાર સુધી ઘણા ઉમેદવારોએ ભાજપના સ્ટેટ લીડરશિપને રિપોર્ટ સોંપી દીધો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે અમારી હારના કારણો શું છે. આમાં એક મોટું કારણ એ છે કે, સરકારી કર્મચારીઓએ સાંસદોને સહકાર આપ્યો નથી. બીજી તરફ પાર્ટીના જ કાર્યકરોનો મોટો વર્ગ તેની વિરુદ્ધ ગયો. ત્રીજું એ કે, જાતિના આધારે ઠાકુરોની રેલીઓએ પણ ભાજપને પશ્ચિમથી પૂર્વ સુધી નુકસાન પહોંચાડ્યું.