આસામના દિમા હસાઓ જિલ્લાના ઉમરાંગસોમાં 300 ફૂટ ઊંડી કોલસાની ખાણમાં 9 કામદારો છેલ્લા 48 કલાકથી ફસાયેલા છે. હાલ બચાવકર્મીઓએ એક મજૂરના મૃતદેહને બહાર કાઢ્યો છે. કામદારોને બચાવવા માટે સેના તૈનાત કરવામાં આવી છે. આ અકસ્માત 6 જાન્યુઆરીએ થયો હતો જ્યારે કામદારો ખાણમાંથી કોલસો કાઢી રહ્યા હતા. મંગળવારે રાત્રે બચાવ કામગીરી અટકાવી દેવામાં આવી હતી. સવારે ફરી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. સેનાની સાથે NDRF અને SDRFની ટીમો પણ બચાવકાર્યમાં લાગેલી છે.
સેના સિવાય એન્જિનિયર્સ ટાસ્ક ફોર્સ બચાવમાં જોડાઈ છે. અહેવાલો અનુસાર ખાણમાં 100 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. આ દરમિયાન નેવીના ડાઇવર્સ પણ બચાવ કાર્યમાં તૈનાત છે. દિમાપુરમાં કોર્પ્સ હેડક્વાર્ટરના ચીફ એન્જિનિયર, આસામ રાઇફલ્સના મહાનિરીક્ષક અને સીઓ પેરા યુનિટ સહિત વરિષ્ઠ અધિકારીઓને લઈ જતું હેલિકોપ્ટર સતત દેખરેખ રાખે છે.
.દીમા હસાઓ જિલ્લાના એસપી મયંક ઝાએ કહ્યું કે ઘણા મજૂરો ફસાયા હોવાની આશંકા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અચાનક પાણી આવી ગયું હતું જેના કારણે કામદારો બહાર આવી શક્યા ન હતા. હાલમાં નેવી, આર્મી, એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનો કામદારોને શોધવામાં વ્યસ્ત છે.
મુખ્યમંત્રીએ શું કહ્યું?
દરમિયાન, આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે 21 પેરા ડાઇવર્સે કૂવાના તળિયેથી એક નિર્જીવ મૃતદેહ બહાર કાઢ્યો છે. અમારા વિચારો અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, આર્મી અને એનડીઆરએફના ડાઇવર્સ કૂવામાં ઉતરી રહ્યા છે. નેવીના જવાનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ સાથે SDRFના ડી-વોટરિંગ પંપ પણ સ્થળ પર પહોંચી રહ્યા છે.