મહારાષ્ટ્રના જાલના પોલીસે એક પરિણીત પુત્રીને તેના માતાપિતાના ચુંગાલમાંથી બચાવી છે. છોકરીના માતા-પિતાએ તેને બે મહિના સુધી ઘરમાં સાંકળોથી બાંધી રાખી. પીડિતાના પતિની ફરિયાદ પર બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચના આદેશ પર પોલીસે આ કાર્યવાહી કરી હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શહનાઝ ઉર્ફે સોનલ (20) ને ભોકરદાન તાલુકાના અલાપુર ગામમાં તેના માતાપિતાના ઘરેથી બચાવી લેવામાં આવી હતી, જ્યાં તેને બે મહિના સુધી સાંકળોથી બાંધીને રાખવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, શહનાઝના આંતરધાર્મિક લગ્ન થયા હતા અને આ દંપતીને 3 વર્ષનો પુત્ર પણ છે.
પોલીસે જણાવ્યું કે તે બે મહિના પહેલા બાળક સાથે તેના માતાપિતાને મળવા ગઈ હતી. આંતરધાર્મિક લગ્નથી ગુસ્સે થયેલા માતા-પિતાએ પુત્રીને તેના પતિ પાસે પાછા ફરવા દીધી નહીં અને તેને ઘરમાં સાંકળોથી બાંધી રાખી.
પોલીસના જણાવ્યા અનુસાર, વારંવાર પ્રયાસો કરવા છતાં, પતિ તેણીને પાછી લાવી શક્યો નહીં અને તેને ઘરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી, જેના પગલે પતિએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો.
કોર્ટના આદેશ પર કાર્યવાહી કરતા, પોલીસ ટીમે ઘર પર દરોડો પાડ્યો, શહેનાઝ અને તેના પુત્રને બચાવ્યા અને સરકારી વકીલ દ્વારા તેમના પતિને સોંપ્યા.
અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી માતા-પિતા વિરુદ્ધ કોઈ કેસ દાખલ કરવામાં આવ્યો નથી અને જો મહિલા ફરિયાદ નોંધાવશે તો કાર્યવાહી કરવામાં આવશે.