Air India Flights : એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા ઉડતા લોકો માટે બુધવારની સવાર ખૂબ જ મુશ્કેલીભરી રહી હતી. આ એરલાઈને તેની ઓછામાં ઓછી 86 ફ્લાઈટ્સ રદ કરી છે. કંપનીએ હવે ઘણા પાઇલોટ્સ અને ક્રૂ મેમ્બર્સે ‘માસ સિક લીવ’ (સામૂહિક માંદગીની રજા) લેવાનું કારણ દર્શાવ્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે એરલાઈન્સના આટલા બધા કર્મચારીઓએ અચાનક રજા કેમ લીધી?
પ્રાપ્ત માહિતી અનુસાર, એરલાઇન્સના ઘણા વરિષ્ઠ અધિકારીઓએ પણ માંદગીની રજા લીધી છે, જેમની સંખ્યા લગભગ 300 હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા નિમણૂક નિયમો પછી વિરોધ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે ગઈકાલે લગભગ 300 કેબિન ક્રૂએ બીમારીની રજા લીધી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ મર્જ થવા જઈ રહી છે, તેથી બંને એરલાઈન્સના પાઈલટ અને કેબિન ક્રૂને લાગે છે કે તેમની નોકરી જોખમમાં છે. એટલા માટે દરેક લોકો વિરોધ કરી રહ્યા છે. ગઈ રાતથી આ વિરોધ વધુ મોટો થઈ ગયો છે, જેના કારણે 86 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. તેમાં મિડલ ઈસ્ટ અને ગલ્ફ દેશોની મહત્તમ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.
જ્યારે એર ઈન્ડિયા કેન્દ્ર સરકાર પાસે હતી ત્યારે ઘણા યુનિયન પાઈલટ અને કેબિન ક્રૂ સાથે હતા, પરંતુ હવે ખાનગી બન્યા બાદ આ યુનિયનોનું બહુ મહત્વ નથી. આ તમામ કારણોસર એરલાઈન્સના કર્મચારીઓ નારાજ છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે સોમવાર સાંજથી ઘણા એરલાઇન ક્રૂ બીમાર હોવાની જાણ કરવાનું શરૂ કર્યું હતું અને ક્રૂ સભ્યોની અછતને કારણે કોચી, કાલિકટ અને બેંગલુરુ સહિત વિવિધ એરપોર્ટ પર ઘણી ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો આ મામલો ટૂંક સમયમાં ઉકેલવામાં નહીં આવે તો એર ઈન્ડિયા એક્સપ્રેસની ઘણી વધુ ફ્લાઈટ્સ રદ થઈ જશે.