સરકારે શુક્રવારે લોકસભામાં જણાવ્યું હતું કે હાલમાં વિદેશી જેલોમાં બંધ ભારતીય કેદીઓની સંખ્યા ૧૦,૧૫૨ છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ સંદર્ભમાં દેશવાર ડેટા શેર કર્યો.
તેમના દ્વારા શેર કરાયેલા ડેટામાં સાઉદી અરેબિયા, કુવૈત, સંયુક્ત આરબ અમીરાત, કતાર, નેપાળ, પાકિસ્તાન, અમેરિકા, શ્રીલંકા, સ્પેન, રશિયા, ઇઝરાયલ, ચીન, બાંગ્લાદેશ અને આર્જેન્ટિના સહિત 86 દેશોની જેલોમાં બંધ ભારતીય કેદીઓનો ડેટા શામેલ છે.
મંત્રીએ જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાની જેલોમાં 2,633 ભારતીય કેદીઓ બંધ છે અને સંયુક્ત આરબ અમીરાતની જેલોમાં 2,518 આવા કેદીઓ બંધ છે.
આ આંકડાઓ અનુસાર, નેપાળની જેલોમાં 1,317 ભારતીય કેદીઓ છે, જ્યારે પાકિસ્તાન અને શ્રીલંકામાં આ સંખ્યા અનુક્રમે 266 અને 98 છે. સિંહે કહ્યું, “મંત્રાલય પાસે ઉપલબ્ધ માહિતી મુજબ, હાલમાં વિદેશી જેલોમાં અંડરટ્રાયલ કેદીઓ સહિત ભારતીય કેદીઓની સંખ્યા 10,152 છે.”