હવે ટીમ ઈન્ડિયા બોર્ડર ગાવસ્કર ટ્રોફીની હાર ભૂલીને આગળ વધવા ઈચ્છશે. હવે ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે જશે. જ્યાં બંને ટીમો વચ્ચે ODI અને T20 સિરીઝ રમાશે. ટીમ ઈન્ડિયાનો એક સ્ટાર યુવા ખેલાડી ઈંગ્લેન્ડ સાથેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં પોતાની વનડે ડેબ્યૂ કરી શકે છે. અત્યાર સુધી આ ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે T20 અને ટેસ્ટ ક્રિકેટમાં ધૂમ મચાવી છે. આ ખેલાડીને હજુ સુધી વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી.
2 વર્ષ પછી ડેબ્યૂ કરી શકે છે
ટીમ ઈન્ડિયાના સ્ટાર યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને હજુ સુધી ODI ફોર્મેટમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી. જોકે, ટી20 અને ટેસ્ટમાં જયસ્વાલનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પણ જયસ્વાલનું પ્રદર્શન સારું રહ્યું હતું અને તે આ વખતે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. આ સિવાય યશસ્વીએ પર્થ ટેસ્ટમાં પણ શાનદાર સદી ફટકારી હતી.
હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે યશસ્વી જયસ્વાલને ઈંગ્લેન્ડ સાથેની ODI શ્રેણી અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવી શકે છે. જોકે, જયસ્વાલને બેકઅપ ઓપનર તરીકે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી શકે છે. જયસ્વાલે વર્ષ 2023માં ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ અને T20 ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેને ક્યારેય ODI ટીમમાં તક મળી નથી, હવે જયસ્વાલની બે વર્ષની રાહનો અંત આવી શકે છે.
6 ફેબ્રુઆરીથી વનડે શ્રેણી શરૂ થશે
ઈંગ્લેન્ડ સાથે ટીમ ઈન્ડિયાએ પહેલા 5 મેચની T20 સીરીઝ અને પછી 3 મેચની ODI સીરીઝ રમવાની છે. ટી-20 સિરીઝ 22 જાન્યુઆરીથી શરૂ થશે. આ પછી 6 ફેબ્રુઆરીથી ત્રણ મેચની વનડે શ્રેણી શરૂ થશે.