મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે 184 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલી ફરી એકવાર બેટથી ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો અને બંને ઈનિંગ્સમાં કંઈ ખાસ બતાવી શક્યો નહોતો. સિરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ હવે સિડનીના મેદાન પર રમાવાની છે, જ્યાં ભારતીય ટીમ શ્રેણીને ડ્રો પર સમાપ્ત કરવા માંગે છે.
આ દરમિયાન ટીમ ઈન્ડિયા સિડની જવા રવાના થઈ ગઈ છે. એરપોર્ટ પરથી ભારતીય ટીમની કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થયા છે. જો કે, આ તસવીરોમાં વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ દેખાતા નથી. કોહલી-બુમરાહને ટીમ સાથે ન જોઈને સોશિયલ મીડિયા પર ફેન્સ નારાજ છે. પરંતુ રિપોર્ટ્સનું માનીએ તો વિરાટ અને બુમરાહ પોતાના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા ટૂર પર પહોંચી ગયા છે. આ કારણે કદાચ તે પરિવાર સાથે મોડા સિડની પહોંચશે. આ શ્રેણીમાં બુમરાહનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે અત્યાર સુધી રમાયેલી ચાર ટેસ્ટ મેચમાં 30 વિકેટ લીધી છે.