ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની બીજી મેચ 25 જાન્યુઆરી, શનિવારના રોજ ચેન્નાઈના એમએસ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયાએ કોલકાતામાં રમાયેલી પહેલી ટી20 મેચ 7 વિકેટે જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારત હવે ચેન્નાઈ ટી20 જીતીને પોતાની લીડ બમણી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ટીમ ઈન્ડિયા 7 વર્ષની લાંબી રાહ પછી ચેપોકમાં T20I રમવા જઈ રહી છે. ભારતનો છેલ્લે વેસ્ટ ઈન્ડિઝ સામે મુકાબલો 2018માં થયો હતો, જ્યાં એક રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લા બોલ પર 6 વિકેટથી વિજય મેળવ્યો હતો.
૭ વર્ષ પહેલાં જ્યારે ભારતીય ટીમ અહીં રમતી હતી, ત્યારે રોહિત શર્મા ટીમનું નેતૃત્વ કરતો હતો, જ્યારે શિખર ધવન અને દિનેશ કાર્તિક જેવા ખેલાડીઓ ટીમનો ભાગ હતા. જોકે, 2018 થી 2025 સુધી, ટીમ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. વોશિંગ્ટન સુંદર એકમાત્ર ખેલાડી છે જે 2018 અને 2025 ની ટીમનો ભાગ છે.
રોહિત શર્માએ ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, જ્યારે શિખર ધવન અને દિનેશ કાર્તિક જેવા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. મનીષ પાંડે, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, શાહબાઝ નદીમ અને ઉમેશ યાદવ ભારતીય ટી20 ટીમનો ભાગ નથી.
ભારતની ટી20 ટીમ 2018: શિખર ધવન, રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ઋષભ પંત, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, કૃણાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, વોશિંગ્ટન સુંદર, ખલીલ અહેમદ, શ્રેયસ ઐયર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, શાહબાઝ નદીમ, ઉમેશ યાદવ
ભારતની 2025 T20 ટીમ: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (c), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી, વોશિંગ્ટન સુંદર , ધ્રુવ જુરેલ, હર્ષિત રાણા
ભારતે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં ફક્ત બે ટી20આઈ મેચ રમી છે, જેમાં ટીમ ઈન્ડિયાને 2012માં ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે 2018માં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે જીત મેળવી હતી.