શ્રીલંકાની ધરતી પર સ્ટીવ સ્મિથ એક પછી એક મોટા રેકોર્ડ બનાવી રહ્યો છે. તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન પૂરા કર્યા પછી, સ્મિથ હવે એશિયામાં ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે આ બાબતમાં રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો છે. સ્મિથે બીજી ટેસ્ટમાં અડધી સદી ફટકારી છે અને તે ક્રીઝ પર છે. પેટ કમિન્સની ગેરહાજરીમાં, સ્મિથ આ પ્રવાસમાં ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.
સ્મિથના નામે વધુ એક મોટી સિદ્ધિ ઉમેરાઈ
સ્ટીવ સ્મિથ ટેસ્ટ ક્રિકેટમાં એક એવા તબક્કે પહોંચી ગયો છે જ્યાં તે દરેક સારી ઇનિંગ સાથે રેકોર્ડ તોડી રહ્યો છે. શ્રીલંકા સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં સ્મિથના નામે વધુ એક મોટો રેકોર્ડ નોંધાઈ ગયો છે. તે એશિયામાં રમતી વખતે ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે આ બાબતમાં રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો છે. પોન્ટિંગે એશિયામાં બેટિંગ કરતી વખતે કુલ ૧૮૮૯ રન બનાવ્યા હતા. આ યાદીમાં એલન બોર્ડર ૧૭૯૯ રન સાથે ત્રીજા સ્થાને છે.
બેટમાંથી ફરી અડધી સદી આવી
શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટમાં ૧૪૧ રન બનાવનાર સ્મિથ બીજી મેચમાં પણ સારી બેટિંગ કરી રહ્યો છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે, સ્મિથે તેની અડધી સદી પૂર્ણ કરી લીધી છે અને 74 રન બનાવીને ક્રીઝ પર મજબૂત રીતે ઉભો છે. ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેનના વહેલા આઉટ થયા પછી, સ્મિથે ઉસ્માન ખ્વાજા સાથે મળીને ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સને સ્થિર કરી અને અડધી સદીની ભાગીદારી કરી.
ખ્વાજા આઉટ થયા બાદ, સ્મિથે એલેક્સ કેરી સાથે ચોથી વિકેટ માટે સદીની ભાગીદારી કરી છે. પોતાની ઇનિંગમાં, સ્મિથે અત્યાર સુધીમાં 8 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો છે. અગાઉ, ટોસ જીતીને બેટિંગ પસંદ કર્યા બાદ, શ્રીલંકાની ટીમ 257 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.