દુબઈમાં યોજાનારી ઈન્ટરનેશનલ લીગ T20 11 જાન્યુઆરીથી શરૂ થશે. આ ત્રીજી સિઝન માટે, દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝી ટીમ દુબઇ કેપિટલ્સે ટીમના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. ઝિમ્બાબ્વેના શક્તિશાળી ઓલરાઉન્ડરને ઈન્ટરનેશનલ લીગ T20ની નવી સીઝન માટે દુબઈ કેપિટલનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
સિકંદર રઝાને કેપ્ટનશીપ મળી
દુબઈ કેપિટલ્સે ઈન્ટરનેશનલ લીગ T20ની નવી સીઝન માટે ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડરને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. સિકંદર રઝા ઝિમ્બાબ્વે ટી20 ટીમનો કેપ્ટન પણ છે. રઝા માટે પણ વર્ષ 2024 ઘણું સારું રહ્યું. જે બાદ સિકંદર રઝાને પણ ICC T20 ક્રિકેટર ઓફ ધ યર માટે નોમિનેટ કરવામાં આવ્યો છે.
ગત સિઝનમાં દુબઈ કેપિટલ્સનો કેપ્ટન ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નર હતો. વોર્નરની કપ્તાની હેઠળ દુબઈ કેપિટલ્સની ટીમ પણ ગત સિઝનમાં ફાઇનલમાં પહોંચી હતી, જોકે વોર્નર ટીમને ટાઈટલ અપાવી શક્યો ન હતો. આવી સ્થિતિમાં હવે ટીમને ચેમ્પિયન બનાવવાની જવાબદારી નવા કેપ્ટન સિકંદર રઝા પર આવશે.
છેલ્લી 2 સીઝન માટે ટીમનો ભાગ
સિકંદર રઝા પણ છેલ્લી બે સીઝનથી ઈન્ટરનેશનલ લીગ T20માં દુબઈ કેપિટલ્સ ટીમનો ભાગ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં તેનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. સિકંદર રઝાએ અત્યાર સુધી રમાયેલી 21 મેચમાં બેટિંગ કરતા 522 રન બનાવ્યા છે, આ સિવાય તેણે બોલિંગ દરમિયાન 16 વિકેટ પણ લીધી છે. તેના શાનદાર પ્રદર્શનને જોઈને ફ્રેન્ચાઈઝીએ રઝાને દુબઈ કેપિટલ્સના કેપ્ટન તરીકે પસંદ કર્યા છે, આ સિવાય રઝા પાસે કેપ્ટનશિપનો ઘણો અનુભવ પણ છે, જે ટીમ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.