ગુજરાત ટાઇટન્સના ઓપનર સાઇ સુદર્શને IPLમાં ઇતિહાસ રચ્યો છે. જે કામ અત્યાર સુધી કોઈ ભારતીય બેટ્સમેન કરી શક્યો ન હતો, તે સાઈએ પૂર્ણ કર્યું. આ પહેલા આ સિદ્ધિ ફક્ત RCBના એબી ડી વિલિયર્સે મેળવી હતી. હવે સાઈ સુદર્શન આવું કરનાર બીજા ખેલાડી બન્યા છે.
ગિલ આઉટ થયા બાદ સાઈ સુદર્શને દાવ સંભાળ્યો
બુધવારે સાઈ સુદર્શને ફરી એકવાર પોતાની ટીમ માટે શાનદાર ઇનિંગ રમી. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવેલા ગુજરાત ટાઇટન્સની શરૂઆત ખરાબ રહી. સુકાની શુભમન ગિલ માત્ર 2 રન બનાવીને વહેલા આઉટ થયો. તે સમયે ટીમનો સ્કોર ફક્ત 14 રન હતો.
આ પછી, સાઈ સુદર્શને જોસ બટલર સાથે મળીને ટીમની કમાન સંભાળી અને તેને મુશ્કેલીમાંથી બહાર કાઢી. આ ઇનિંગ દરમિયાન, સાઈ સુદર્શને આ વર્ષની IPLમાં પોતાના 200 રન પણ પૂરા કર્યા. તે 2025ના IPLમાં 200 થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે.
સાઈ સુદર્શને અમદાવાદમાં સતત પાંચ મેચમાં અડધી સદી ફટકારી
સાઈ સુદર્શને IPLમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તે એક જ મેદાન પર સતત પાંચ વખત ૫૦ કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. આ બધી ઇનિંગ્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થઈ હતી.
વર્ષ 2024 માં, સાઈએ આ જ મેદાન પર સતત બે અડધી સદી ફટકારી હતી. હવે 2025 માં પણ તેણે અહીં ત્રણ વાર 50 થી વધુ રન બનાવ્યા છે. પહેલા આ રેકોર્ડ ફક્ત એબી ડી વિલિયર્સના નામે હતો, જે તેણે 2018 થી 2019 ની વચ્ચે આરસીબી માટે બનાવ્યો હતો. હવે સાઈએ તેની બરાબરી કરી લીધી છે.
સાઈ સુદર્શન શાનદાર ફોર્મમાં
આ વર્ષે અમદાવાદમાં પંજાબ કિંગ્સ સામે સાઈ સુદર્શને 74 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે અહીં 63 રનની શાનદાર ઇનિંગ રમી. તેણે RCB સામે 49 રન બનાવ્યા હતા, પણ તે મેચ બેંગલુરુમાં હતી. હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે તે ફક્ત 5 રન બનાવી શક્યો હતો.
પરંતુ અમદાવાદ પરત ફરતાની સાથે જ તેના બેટમાંથી ફરીથી રનનો વરસાદ શરૂ થઈ ગયો. આના પરથી સ્પષ્ટ થાય છે કે સાઈને અમદાવાદનું મેદાન ખૂબ ગમે છે અને તે અહીં શાનદાર બેટિંગ કરી રહ્યો છે.