પર્થ ટેસ્ટમાંથી બહાર થયા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એડિલેડમાં પુનરાગમન કર્યું હતું. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટમાં ભારતીય કેપ્ટન ઓપનિંગને બદલે 6 નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. જોકે, રોહિત શર્માનું પુનરાગમન નિરાશાજનક રહ્યું હતું. તેમજ રોહિતનો 6 નંબર પર બેટિંગ કરવાનો પ્લાન પણ નિષ્ફળ ગયો હતો. ભારતીય કેપ્ટને સસ્તામાં પોતાની વિકેટ ગુમાવી હતી.
ભારતીય ટીમની ખરાબ શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ પહેલા જ બોલ પર મિચેલ સ્ટાર્કનો શિકાર બન્યો હતો. 6 નંબર પર બેટિંગ કરવા આવેલા ભારતીય કેપ્ટને ક્રિઝ પર પગ જમાવ્યો હતો, પરંતુ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. રોહિતે 23 બોલનો સામનો કરીને 3 રન બનાવ્યા હતા. સ્કોટ બોલેન્ડે તેને LBW આઉટ કર્યો હતો.
બોલેન્ડે રોહિતને પોતાની જાળમાં ફસાવી દીધો
26મી ઓવરના 5માં બોલ પર સ્કોટ બોલેન્ડે રોહિત શર્માને પોતાની જાળમાં ફસાવી દીધો હતો. આ પછી રોહિતે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર હાજર રિષભ પંત સાથે વાત કરી. જોકે, પંતે તેને ડીઆરએસ ન લેવાની સલાહ આપી હતી. આ પછી રોહિત પેવેલિયન તરફ પાછો ફર્યો. રોહિત શર્મા 2018 પછી ટેસ્ટમાં મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી રહ્યો હતો. ટેસ્ટમાં 5-6માં નંબર પર રહેલા રોહિતના આંકડા શાનદાર છે.
છઠ્ઠા નંબર પર રહેલા રોહિતના આંકડા શાનદાર રહ્યા છે
રોહિત શર્મા તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં 5-6 નંબર પર બેટિંગ કરતો હતો. 5માં નંબર પર, તેણે 10 ટેસ્ટ રમી અને 29.13ની એવરેજથી 437 રન બનાવ્યા. આ ઉપરાંત, આજ પહેલા 6ઠ્ઠા નંબર પર રહેલા હિટમેને 16 ટેસ્ટમાં 54.57ની એવરેજથી 1037 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 સદી પણ ફટકારી હતી.
ટેસ્ટમાં રોહિત શર્માનું પ્રદર્શન
- ઓપનિંગઃ 37 મેચ, 2685 રન
- નંબર 3: 4 મેચ, 53 રન
- નંબર 4: 1 મેચ, 4 રન
- નંબર 5: 10 ટેસ્ટ, 437 રન
- નંબર 6: 17* ટેસ્ટ, 1040 રન