મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક અલગ પ્રકારની ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ રહી છે. આ ટુર્નામેન્ટ અલગ છે કારણ કે આમાં તમામ ખેલાડીઓ સામાન્ય જર્સી પહેરીને નહીં પરંતુ કુર્તા અને ધોતી પહેરીને રમી રહ્યા છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓ પ્રોફેશનલ નથી પરંતુ ધાર્મિક બ્રાહ્મણો છે. આ સિવાય મેચની કોમેન્ટ્રી હિન્દી કે અંગ્રેજીમાં નહીં પરંતુ સંસ્કૃતમાં કરવામાં આવી રહી છે. આ ટુર્નામેન્ટ હવે ખૂબ જ ચર્ચાનો વિષય બની ગઈ છે.
10 ઓવરની મેચ
આ ટુર્નામેન્ટને બટુક ક્રિકેટ કોમ્પીટીશન નામ આપવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં દરેક મેચ 10 ઓવરની હશે. આ ટુર્નામેન્ટ ભોપાલના અંકુર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. જ્યાં ખેલાડીઓ પીચ પર ધોતી-કુર્તામાં રન માટે દોડતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત મંત્રોચ્ચાર સાથે ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો.
વિજેતા ટીમ પ્રયાગરાજ મહાકુંભ મેળામાં જશે
આ સ્પર્ધામાં ભોપાલ સહિત જબલપુર, રાયસેન, વિદિશા અને નરસિંહપુર જિલ્લાની કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. ટૂર્નામેન્ટ જીતનાર ટીમને 21,000 રૂપિયાનું ઈનામ મળશે. આ ઉપરાંત વિજેતા ટીમને પ્રયાગરાજ મહાકુંભ મેળામાં લઈ જવામાં આવશે. જ્યાં વિજેતા ટીમના તમામ ખેલાડીઓ સંગમમાં ડૂબકી લગાવશે. બીજી તરફ રનર્સ અપ ટીમને 11,000 રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે.