અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વનડે શ્રેણીની છેલ્લી મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં અફઘાનિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝનો ‘વન મેન આર્મી શો’ જોવા મળ્યો હતો.
ગુરબાઝે 89 રનની ઇનિંગ રમી હતી
બીજી વનડેમાં સદી ફટકારનાર ગુરબાઝ છેલ્લી મેચમાં સદી ચૂકી ગયો હતો. તેણે 94 બોલમાં 94.68ના સ્ટ્રાઈક રેટથી 89 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 7 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. ગુરબાઝ સિવાય આખી ટીમ કંઈ ખાસ કરી શકી નથી.
ગુરબાઝે બીજી વનડેમાં પણ શાનદાર બેટિંગ કરી હતી. તેણે છેલ્લી વનડેમાં 110 બોલમાં 105 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 10 ચોગ્ગા અને 3 છગ્ગા લાગ્યા હતા. પ્રથમ વનડેમાં ગુરબાઝનું ખાતું પણ ખોલાયું ન હતું.
અફઘાનિસ્તાનની ટીમ 169 રનમાં સમેટાઈ ગઈ હતી
મેચની વાત કરીએ તો અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી અફઘાનિસ્તાનની ટીમ 169 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુરબાઝ સિવાય અલ્લાહ ગઝનફરે સૌથી વધુ અણનમ 31 રન બનાવ્યા હતા. કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 10, અબ્દુલ મલિકે 9, મોહમ્મદ નબીએ 5, ઇકરામ અલીખિલ અને ફરીદ અહેમદે 4-4 રન બનાવ્યા હતા.
અફઘાનિસ્તાને શ્રેણી કબજે કરી લીધી હતી
અફઘાનિસ્તાનની ટીમે શ્રેણીની પ્રથમ 2 વનડે જીતીને શ્રેણી પર કબ્જો કરી લીધો છે. પ્રથમ વનડેમાં અફઘાનિસ્તાને દક્ષિણ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું હતું. શ્રેણીની બીજી મેચમાં અફઘાનિસ્તાને દક્ષિણ આફ્રિકાને 177 રનથી હરાવ્યું હતું.