ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ પોતાની પકડ મજબૂત કરી લીધી છે. બાંગ્લાદેશને જીતવા માટે હજુ 357 રનની જરૂર છે અને તેની 6 વિકેટ બાકી છે. બાંગ્લાદેશના મુશ્ફિકુર રહીમે કદાચ આ મેચમાં સારું પ્રદર્શન કર્યું ન હતું. પરંતુ તેમ છતાં તેણે તમીમ ઈકબાલનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. રહીમે પ્રથમ દાવમાં 8 રન અને બીજા દાવમાં 13 રન બનાવ્યા હતા.
મુશ્ફિકુર રહીમે મોટી સિદ્ધિ હાંસલ કરી
ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં મુશ્ફિકુર રહીમે કુલ 21 રન બનાવ્યા હતા. આ સાથે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બાંગ્લાદેશ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 15205 રન બનાવ્યા છે અને તમીમ ઈકબાલને પાછળ છોડી દીધો છે. તમિમે બાંગ્લાદેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 15192 રન બનાવ્યા છે. શાકિબ અલ હસન 14696 રન સાથે ત્રીજા સ્થાને છે.
બાંગ્લાદેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ:
15205- મુશફિકુર રહીમ
- 15192- તમીમ ઈકબાલ
- 14696- શાકિબ અલ હસન
- 10694- મહમુદુલ્લાહ
બાંગ્લાદેશ માટે 91 ટેસ્ટ મેચ રમી
37 વર્ષીય મુશ્ફિકુર રહીમે બાંગ્લાદેશ માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે અને 2005માં ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ તેણે 91 ટેસ્ટ મેચોમાં 5913 રન બનાવ્યા છે, જેમાં 11 સદી અને 27 અડધી સદી સામેલ છે. આ સિવાય તેણે 271 ODI મેચોમાં 7792 રન અને 102 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 1500 રન બનાવ્યા છે.
ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. આ પછી બાંગ્લાદેશની ટીમ પ્રથમ દાવમાં માત્ર 149 રન જ બનાવી શકી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાને પ્રથમ દાવના આધારે 227 રનની લીડ મળી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ 287 રન બનાવીને પોતાનો બીજો દાવ ડિકલેર કર્યો હતો. આ રીતે બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બાંગ્લાદેશે અત્યાર સુધી 4 વિકેટના નુકસાન પર 158 રન બનાવ્યા છે. તેમને 357 રનની જરૂર છે અને 6 વિકેટ બાકી છે.