Afghanistan Team: અફઘાનિસ્તાનની ટીમે પાપુઆ ન્યુ ગિનીને 7 વિકેટે હરાવીને T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં જગ્યા બનાવી લીધી છે. વર્તમાન T20 વર્લ્ડ કપમાં રાશિદ ખાનની કેપ્ટનશીપમાં અફઘાન ટીમ સારૂ પ્રદર્શન કરી રહી છે. ટીમે અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચ જીતી છે. પરંતુ હવે સુપર-8 પહેલા જ અફઘાન ટીમને મોટો ફટકો પડ્યો છે. ટીમનો સ્ટાર ખેલાડી મુજીબ ઉર રહેમાન T20 વર્લ્ડ કપ 2024માંથી બહાર થઈ ગયો છે.
ગાંડા સામે મેચ રમાઈ હતી
ESPNcricinfoના રિપોર્ટ અનુસાર, મુજીબ ઉર રહેમાનના હાથની ઈજા તેને પરેશાન કરી રહી છે. તેના હાથમાં મચકોડ છે. આ કારણથી તે ટી20 વર્લ્ડ કપ 2024માં વધુ કોઈ મેચ રમી શકશે નહીં. ઈજાના કારણે તે IPL 2024માં પણ રમી શક્યો નહોતો. મુજીબે અફઘાનિસ્તાન તરફથી શરૂઆતી મેચ યુગાન્ડા સામે રમી હતી. પરંતુ બાકીની બે મેચમાં તે પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો. પ્લેઈંગ ઈલેવનમાં તેની જગ્યાએ નૂર અહેમદ રમ્યો હતો. નૂરે ન્યુઝીલેન્ડ અને પાપુઆ ન્યુ ગીની સામે 1-1 વિકેટ લીધી હતી.
હઝરતુલ્લા ઝાઝાઈ અફઘાન ટીમમાં જોડાયો
મુજીબ ઉર રહેમાનની જગ્યાએ ઓપનર બેટ્સમેન હઝરતુલ્લાહ ઝાઝાઈને અફઘાનિસ્તાન ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ICC એ પુષ્ટિ કરી છે કે તેમની ઇવેન્ટ ટેકનિકલ કમિટીએ અફઘાનિસ્તાનની પાપુઆ ન્યુ ગિની પર જીત બાદ બદલીને મંજૂરી આપી દીધી છે. ઝાઝાઈએ અફઘાનિસ્તાન ટીમ માટે અત્યાર સુધીમાં 43 T20I મેચોમાં 1138 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. તે ટીમના બેટિંગ ઓર્ડરને મજબૂત બનાવશે. તેણે ફેબ્રુઆરીથી એકપણ T20I રમી નથી, પરંતુ છેલ્લા બે T20 વર્લ્ડ કપમાં તે રમ્યો છે.
T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન
અફઘાન ટીમે 2024ના સુપર-8માં સ્થાન મેળવ્યું છે. જ્યાં તેનો મુકાબલો 20 જૂને ભારતીય ટીમ સામે થશે. અફઘાનિસ્તાનની ટીમે હાલમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં એકજૂથ પ્રદર્શન કર્યું છે. ટીમે યુગાન્ડા સામે 125 રનથી, ન્યુઝીલેન્ડ સામે 84 રનથી અને પાપુઆ ન્યુ ગીની સામે 7 વિકેટે જીત મેળવી હતી. ટીમે તેની છેલ્લી ગ્રુપ સ્ટેજની મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે રમવાની છે, પરંતુ આ મેચ માત્ર એક ઔપચારિકતા છે. કારણ કે વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ સુપર-8માં પહોંચી ગઈ છે.