કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના સ્ટાર ખેલાડી અને ઉત્તર પ્રદેશના કેપ્ટન રિંકુ સિંહે ચંદીગઢ સામેની વિજય હજારે ટ્રોફીમાં બેટના બદલે બોલથી ચમક્યો છે. ચંદીગઢ સામેની મેચમાં રિંકુ થોડો મોંઘો સાબિત થયો અને તેણે માત્ર 4.4 ઓવરમાં 41 રન આપ્યા. જો કે, તે એકે કૌશિક અને જગજીત સિંહ સંધુને આઉટ કરીને તેના સ્પેલમાં બે વિકેટ મેળવવામાં સફળ રહ્યો હતો.
બોલ સાથે રિંકુનું આ પ્રદર્શન ચોક્કસપણે તેને IPL 2025માં અલગ ભૂમિકામાં દેખાડી શકે છે. તેનું પ્રદર્શન KKR માટે પણ પ્રોત્સાહન પુરુ પાડશે, જ્યાં ટીમ રિંકુ સિંહનો ખતરનાક ફિનિશર તેમજ બોલર તરીકે ઉપયોગ કરી શકશે. રિંકુ ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ એ બંને ક્રિકેટમાં નિયમિતપણે બોલિંગ કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં તેના નામે 15 વિકેટ છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ થોડી બોલિંગ કરી છે.
થોડા સમય પહેલા તેણે પોતાની બોલિંગ વિશે કહ્યું હતું કે, ‘મેં UPT20 લીગમાં પણ બોલિંગમાં હાથ અજમાવ્યો હતો. હવે હું મારી બોલિંગ પર પણ ધ્યાન આપી રહ્યો છું. ઉત્તર પ્રદેશના કેપ્ટન તરીકે મારે મોટી ભૂમિકા ભજવવાની છે અને હું તેના માટે તૈયાર છું.
KKR રિંકુને કેપ્ટન બનાવી શકે છે
રિંકુ સિંહ IPL 2025માં KKRનો આગામી કેપ્ટન બનવા માટે સૌથી આગળ છે. આ ગતિશીલ બેટ્સમેનને કેકેઆર દ્વારા મેગા ઓક્શન પહેલા તેમની ટીમમાં જાળવી રાખવામાં આવ્યો હતો. હાલમાં તે વિજય હજારે ટ્રોફીમાં ઉત્તર પ્રદેશની આગેવાની કરી રહ્યો છે. તેણે આ વર્ષની શરૂઆતમાં UPT20 લીગમાં મેરઠ માવેરિક્સનું નેતૃત્વ પણ કર્યું હતું. અહીં તેણે નવ ઇનિંગ્સમાં 161.54ના સ્ટ્રાઇક રેટથી 210 રન બનાવીને ટીમને જીત તરફ દોરી હતી.
રિંકુની ઈન્ટરનેશનલ કરિયર આવી રહી છે
2023માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર રિંકુએ બે ODI અને 30 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. ODIમાં તેણે 134.15ની સ્ટ્રાઈક રેટથી 55 રન બનાવ્યા છે. T-20 ઈન્ટરનેશનલ મેચોમાં તેણે 166.15ની સ્ટ્રાઈક રેટથી 507 રન બનાવ્યા છે.