બોર્ડર ગાવસ્કર ટ્રોફી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. શ્રેણીની અત્યાર સુધી ચાર મેચ રમાઈ છે, હાલમાં ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં 2-1થી આગળ છે. આ સીરીઝમાં અત્યાર સુધી ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે અદભૂત બોલિંગ બતાવી છે. બુમરાહ આ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે. તેણે અત્યાર સુધી રમાયેલી ચાર મેચમાં 30 વિકેટ લીધી છે. દરમિયાન ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2024ની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમની પસંદગી કરી છે.
બુમરાહને કેપ્ટન પસંદ કરવામાં આવ્યો
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. આ મેચ પહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2024ની સર્વશ્રેષ્ઠ ટેસ્ટની પસંદગી કરી છે. જેના કેપ્ટન જસપ્રીત બુમરાહની પસંદગી કરવામાં આવી છે. આ દિવસોમાં જસપ્રીત બુમરાહના પ્રદર્શનની આખી દુનિયા પ્રશંસા કરી રહી છે. વર્ષ 2024માં બુમરાહે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લીધી છે. આ વર્ષે બુમરાહે 86 વિકેટ લીધી છે. જેમાંથી બુમરાહે એકલા ટેસ્ટ ક્રિકેટમાં 71 વિકેટ લીધી છે.
ટીમમાં 2 ભારતીયોનો સમાવેશ
જસપ્રીત બુમરાહ ઉપરાંત ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલની પણ વર્ષ 2024ની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમમાં પસંદગી કરી છે. વર્ષ 2024 યશસ્વી જયસ્વાલ માટે પણ શાનદાર રહ્યું છે. આ વર્ષે જયસ્વાલ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બીજા બેટ્સમેન છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા પસંદ કરાયેલ શ્રેષ્ઠ ટેસ્ટ ટીમ
યશસ્વી જયસ્વાલ (ભારત), બેન ડકેટ (ઇંગ્લેન્ડ), રચિન રવિન્દ્ર (ન્યુઝીલેન્ડ), હેરી બ્રુક (ઇંગ્લેન્ડ), કામિન્દુ મેન્ડિસ (શ્રીલંકા), એલેક્સ કેરી (ઓસ્ટ્રેલિયા), મેટ હેનરી (ન્યુઝીલેન્ડ), જસપ્રિત બુમરાહ (કેપ્ટન) (ભારત), જોશ હેઝલવુડ (ઓસ્ટ્રેલિયા), કેશવ મહારાજ (દક્ષિણ આફ્રિકા).