સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચાલી રહેલી IPL 2025ની મેગા હરાજીમાં પ્રથમ દિવસે જ હરાજીના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. રિષભ પંત હવે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પંતને લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. પ્રથમ દિવસે 72 ખેલાડીઓ ખરીદવામાં આવ્યા હતા જ્યારે 12 ખેલાડીઓ વેચાયા વગરના રહ્યા હતા. જેમાં એક ખેલાડીએ પોતાની કપ્તાનીમાં ટીમ માટે આઈપીએલનો ખિતાબ પણ જીત્યો છે.
આ 12 ખેલાડીઓ વેચાયા વગરના રહ્યા
મેગા ઓક્શનના પ્રથમ દિવસે ચાહકો માટે આશ્ચર્યજનક બાબત એ હતી કે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નર, જેણે સનરાઈઝર્સ હૈદરાબાદને પોતાની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બનાવ્યું હતું, તે વેચાયા વગરનો રહ્યો. આ દિગ્ગજ ખેલાડીમાં કોઈ ફ્રેન્ચાઈઝીએ રસ દાખવ્યો નથી. ડેવિડ વોર્નરની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. આ સિવાય ઈંગ્લેન્ડના જોની બેયરસ્ટોને પણ મેગા ઓક્શનમાં કોઈ ખરીદદાર મળ્યો ન હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલા ટીમ ઈન્ડિયાના ડાબોડી બેટ્સમેન દેવદત્ત પડિકલ પણ આ વખતે મેગા ઓક્શનમાં વેચાયા વગરના રહ્યા.
શ્રેયસ અય્યર અને વેંકટેશ અય્યર પર પૈસાનો વરસાદ થયો
શ્રેયસ અય્યર હવે આઈપીએલ ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. શ્રેયસ અય્યર, જેણે કેકેઆરને છેલ્લી વખત તેની કેપ્ટનશિપમાં ચેમ્પિયન બનાવ્યું હતું, તે આ વખતે પંજાબ કિંગ્સ તરફથી રમતા જોવા મળશે. મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે શ્રેયસ અય્યરને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સિવાય KKRએ વેંકટેશ અય્યરને ફરીથી 23.75 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.